bhadrkalinun ashtak - Lokgeeto | RekhtaGujarati

ભદ્રકાલિનું અષ્ટક

bhadrkalinun ashtak

ભદ્રકાલિનું અષ્ટક

(ભુજંગી છંદ)

ભલી કાલિકા ને ભલી ભદ્રકાળિ, ભલાં દુઃખ ભાંગે, ભલે ભીડ ટાળી;

મને આજ આનંદના ઓઘ ઉદે, કાળિકાળમાં કાલિકા સુખ તું દે.—1

મારી શુદ્ધ લેજો, મને દાસ જાણી, દયાવંત માતા દયાળુ વાણી;

ભજો ભાવ આણી અતિ આપ, રુદે કળિકાળમાં કાલિકા સુખ તું દે.—2

વસી વિશ્વમાં ઠામને ઠામ ઠામે, નહીં ઠામ ખાલી, વસી ગામ ગામે;

સદા દુઃખ કાપી, ભવાની! ભલું દે, કળિકાળમાં કાલિકા! સુખ તું દે.—3

ઠઠી ઠાઠ ઠાઠે, સખી આઠ આઠે, ત્રણે વેદ બ્રહ્મા ભણે મુખ પાઠે;

ધર્યા સોળ શણગાર તે માટ કૂદે, કળિકાળમાં કાલિકા સુખ તું દે.—4

પગે ઘૂઘરા ઘૂઘરી નાદ ગાજે, પટોળી પહેરી ભલી ભાત છાજે;

અતિ ગંધના લેપ લેલાટ ઉદે, કળિકાળમાં કાલિકા સુખ તું દે.—5

કરે કાંકણી, બંદ-બાજુ ભલા છે, તુસીને જવાળી મણિ તો જડ્યા છે;

ગળે સાંકળી હેમનો હાર હૃદે, કળિકાળમાં કાલિકા સુખ તું દે.—6

(સાતમું અષ્ટક મળતું નથી)

ભલો ભાવ આણી, ઘણા ગુમ જાણી મહાકાળીને ભદ્રકાળી પ્રમાણી:

ભલો ભાવ આણી રચ્યા છંહ આઠે, ભણો ભદ્રકાળી ભલાં નિત્યે પાઠે.—8

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966