ambikashtak - Lokgeeto | RekhtaGujarati

અંબિકાષ્ટક

ambikashtak

અંબિકાષ્ટક

(ભૂજંગી છંદ)

(1)

અહો અંબિકે જયેંબિકે વિશ્વમૂલં, શમત-સંસ્કૃતિ-દુઃખ રોગાદિ—સૂલં.

મંગલ દાયકં લાયકં રમ્ય રૂપં, સગુણ નિરગુણ આદિ માયા અનૂપં.

પ્રણત-જન-અભયવર પ્રદાની ભવાની, ભુવન ચઉદ રાજેશ્વરી રાજ્યમાની.

સ્તવે સુરસખા ઇંદ્ર આદિ વિધાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(2)

તનુ દિવ્યમાં સોળ શણગાર સાજે, ગલુબંધ મુક્તા મણિ માલ ભ્રાજે:

કરણ-ઝાલ ઝલહલ થતી જ્યોત સારી, સોહે શીશમાં ફૂલવેણી સમારી:

વદન ઇંદુ-શોભા, ચિબુક બિદુ રાજે, ચપલ નેત્રકમલે ખંજન મીન લાજે:

ઝગે દંત હીરા અધરે બિંબ-રાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(3)

ભાલે કેસરી આડમાં રક્ત બિંદુ, મૃગારૂઢ જેવો ઉદે બાલ-ઇંદુ:

નાસા કીર-ચંચૂ, મોતી-હાર ચળકે, અંગદ મુદ્રિકા-મેખલા બાંહે ઝળકે:

ઓઢી ચુંદડી જરકસી નીલ ચોળી, ઝગે અંગના-સંગમાં રંગ-બોળી:

કે’તાં રૂપ હારે ગિરા, પદ્મજાતા, નમો અંબિકા સુખદાતા!

(4)

કોટિ સૂર્યકાંતિ કોટિ ચંદ્ર શીતં, તડિતં તનુ અંગ આભા અમિતં:

અદ્ભુત આકૃતિ જ્યોતિમયરૂપ જાણું, મા’રી અલ્પબુદ્ધિ, અધિક શું વખાણ?

તુંહિ સરસતી, વૈષ્ણવી સુવિધાત્રી, તુંહી શંકરી, ભૈરવી કાલરાત્રિ:

પ્રણવરૂપિણી જોગિણી વિશ્વમાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(5)

ધર્યાં અષ્ટ ભૂજમાં ત્રિશૂલ ખડ્ગ ચક્રં, ગદા શક્તિ ફરસી ધનુષબાણ વક્રં:

કૃતં ઘોરતમ દુષ્ટ-વધ ચંડમુંડ, હતં શુંભ નિશુંભ રણ રૂંડતુંડ:

દેવી ચંડિકા ભગવતી ભદ્રકાલી મહિષમર્દિની રક્તનેત્રી કરાલી :

ભૂમિભાર-હર દૈત્ય કવચી નિપાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(6)

આદિ બ્રહ્મશક્તિ સકલ બીજધારી, સૃષ્ટિ ઉદ્ભવં પાલ સંહારકારી:

નિજં નિર્મિતં ભાતિ રચના વિચિત્રં, વિખાણે કવિ ગીત ગાથા પવિત્રં:

પરા પારમીશં પરં શં પ્રચંડં, અજં શાશ્વતં તુર્યમૂલં અખંડં:

જગન્માત વિશ્વંભરી વિશ્વધાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(7)

રાજે એક રૂપે અકલ બ્રહ્મમાયા, રવિ રશ્મિતંતુ નહિ ભિન્ન કાયા:

જુગલ રૂપથી દિવ્ય લીલા કરો છો, ચેતન શક્તિએ લોક સૃષ્ટિ ધરો છો:

અખિલ મોહની સોહની ચંદ્ર ભાલી, દેવી મૃગપતિવાહની વેશવાલી:

મુનિ સિદ્ધ યોગી ફરે ગીત ગાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(8)

તુંહી પંચ મહાભૂત ને લોકપાલં, રવિચંદ્ર મહત્તત્ત્વ ગુણ કર્મ કાલં:

આદિ અંત મધ્યે પુરણ તું પ્રકાશે, સ્થાવર જંગમે તું અધિજ્ઞાન ભાસે:

અખિલ વિશ્વમાં નારી રૂપો તિહારાં, પુરુષ પ્રકૃતિથી નથી કોઈ ન્યારાં:

તુંહિ જનક જનેતા, ગુરુ માત ભ્રાતા, નમો અંબિકા સર્વદા સુખદાતા!

(કલશ)

ઇંદ અંબિકા-અષ્ટકં પાપહારી, જપંતિ શુચિ પ્રાણધારી ત્રિ-વારી:

પામે સંતતિ સંપતિ ભોગ ભૂરિ, વાળે દુઃખ દુષ્કાળ દારિદ્ર દૂરી.

ટળે રોગ વિજોગ, ભથ ક્લેશ વાળે, શોભા કીરતિ બલ, આયુ આરોગ્ય પામે:

કરે વિનતિ દાસનો દાસ માતા! નમો અંબિકા સર્વદા સુખદાતા!

રસપ્રદ તથ્યો

[ભૂજંગી છંદની ચાલમાં રચેલું આ ‘અંબિકાષ્ટક’ કોઈ ચારણ કવિનું રચેલું હોય એમ જણાય છે, ડિંગલને મળતી ભાષાની છટા તેમાં જણાય છે. એમાંનાં લાબાં સમાસપ્રચુર પદો ‘વંદેમાતરમ્’ ગીતનું સ્મરણ કરાવે છે. સત્તરમા શતકમાં ઊતરેલી એક પોથીમાંથી તે પ્રાપ્ત થયું છે. ]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966