sitani waDi - Lokgeeto | RekhtaGujarati

સીતાની વાડી

sitani waDi

સીતાની વાડી

સીતાએ ચંપો ને મરવો રોપિયો, રે કંઈ મરઘે ચરીચરી જાય,

તુંને મરાવીને મરઘલા, મારું વન તજીને જા!

હે મારા પિયરમાં હું પાપણી, કંઈ મામો નૈં મોસાળ!

હે એવો કંથ કિયાગરો, રે કંથ કસબડો શિવડાવ!

હે રામે સીતાનાં વચન સુણિયાં, ઊઠિયા બાવન વીર!

હે પે’લા બાણે મરઘલાને વીંધિયો, ધાયે લખમણ વાર!

હે રાવણ આવ્યો ભિક્ષા માગવા, હરી ગયો સીતાનાર!

ખંભે માથે કરી લાવિયા રે, કંઈ નાખ્યા મઢીને બાર!

મઢી દીસે દીસામણી, કંઈ મઢીએ પડે કાળા કાગ!

હે રામે રોવો, લખમણ રૂઝવે, કંઈ ઘેલા રામ રોઈશ,

હે તેથી ભલેરી અલાવશું, સીતા ધરાવશું નામ.

હે જળે જળે કમળ નીપજે, વન વન ચંદન હોય!

તું ઘેલો થા બંધવા, કંઈ ઘેર ઘેર સીતા હોય!

રામે સૈન્યામાં બીડા ફેરવિયા, કોઈ બીડાને ઝાલે હાથ,

મોટા માનતવાળા હનમાં, કંઈ બીડા લીધેલ છે હાથ.

હે વા’લે ઠારેથી માર્યા ઠેકડા, રે ભોમિયા ચારે દશ,

જોયાં છે ચોર્યાશી ચૌટાં, કંઈ જોયાં રાવણનાં રાજ!

આસોપાલવ કેરા ઝાડવે, કંઈ બેઠેલાં સીતાનાર.

તું તો ભૂખ્યો હશે હનુમાં, રે પડ્યાં વનફળ ખાય,

એવા ખજૂરિયા ખંખેરિયા, મોરી કંઈ ચંપા કેરી ડાળ!

હે વા’લે થડેથી ઝાડ ઉખેળિયાં, ખંખેરી ખંખેરીને ખાય!

હે માળી આવ્યો માથું ચૂંથતો, રાજા રાવણ આગળ રાડ્ય.

વાડી ભેળી રાજા રાવણની, કંઈ આસોપાલવનાં ઝાડ,

કંઈ મગાવો પાટણની પટોળિયું, કંઈ તેર ઘાણીનાં તેલ;

બાંધો વાંદર કેરા પૂંછડે, હનમાન માથે હેલ.

રસપ્રદ તથ્યો

(અધૂરું ભજન લાગે છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959