shokya - Lokgeeto | RekhtaGujarati

શોક્ય

shokya

શોક્ય

હરિ! સમણામાં મેં પારસપીપળો દીઠો જો :

તુળસીના ક્યારા રે મારા સમણામાં—

હરિ! સમણામાં મેં ડોલતા ડુંગર દીઠા જો :

વહેતી તે નદીઓ રે મારા સમણામાં—

હરિ! સમણામાં મેં ગામે વલોણાં દીઠા જો :

ઘીઈની વાઢીઓ રે મારા સમણામાં—

હરિ! સમણામાં મારા હસતા હીરા દીઠા જો :

મોતીની સેરો તે મારા સમણામાં—

હરિ! સમણામાં મેં તો ઘૂમતું છાણું દીઠું જો :

ખડખડતી ખરસાણી રે મારા સમણામાં—

પારસપીપળો તો મારો ગોર જો :

તુલસીના કયારા તે મારી ગોરણી—

ડોલતા ડુંગર તો મારો સસરો જો :

વહેતી તે નદીઓ તે મારાં સાસુજી—

ગામે વલોણાં તો મારા જેઠ જો :

ઘીઈની વાઢીઓ તે મારી જેઠાણી—

હસતા હીરા તો મારા વીર જો :

મોતીની સેરો તે મારાં ભાભીજી—

ઘૂમતું છાણું તો મારી શૉક્ય જો :

ખડખડતી ખરસાણી મારી પાડોશણ—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957