bar warasno kanuDo - Lokgeeto | RekhtaGujarati

બાર વરસનો કાનુડો

bar warasno kanuDo

બાર વરસનો કાનુડો

એક બાર વરસનો કાનુડો,

નત નત ગોકુળ જાય; ગોરસ ઢળશે રે.

ગોળીના ગોરસ માંહે રેડ્યાં,

નેતરડે વળગી નાર; ગોરસ ઢળશે રે.

ઈના હાથની હથેળી રે,

જાણે બાવન પરની તાળી; ગોરસ ઢળશે રે.

એના હાથની આંગલિયું રે,

જાણે ચોળા મગની ફળિયું, ગોરસ ઢળશે રે.

એના પેટડિયાનો ફાંદો રે,

જાણે ઊગ્યો પૂનમ ચાંદો; ગોરસ ઢળશે રે.

એના વાંસાનો વળાકો રે,

જાણે સરપનો સળાકો; ગોરસ ઢળશે રે.

એના માથાનો અંબોડો રે,

જાણે ઘૂટ્યો તેજલ ઘોડો; ગોરસ ઢળશે રે.

એના નાકડિયાની દાંડી રે,

જાણે દીવા શગે માંડી; ગોરસ ઢળશે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 232)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968