aawo jo - Lokgeeto | RekhtaGujarati

આવો જો

aawo jo

આવો જો

આવડી ને તેવડી, મારા મો’લની પરસાળું જો;

હરિ, સૂનાં તે ઝરૂખડા ખાવા દોડતા.

આભલે જાતી મો’લુંની અટારી જો;

હરિ, ન્યાંથી રે યે દશું નજરે પડે.

શિયાળે સખી, શીત શરીરે વાય જો;

હરિ, હાડુમાં વાગે રે શીળી લેરખી.

સમી સાંજુના હરિ, મારે મો’લે આવો જો;

આવો તો આલું રે ખારેક ટોપરાં.

આલીશ, આલીશ બદામ ને એલચડી જો;

હરિ, ઉપર રે આલીશ લાડુડી મગસની.

આવડી ને તેવડી.....

ઉનાળે હરિ, વરસે લૂ અંબાર જો;

હરિ, અગન-મલોખે આંખલ઼ડી હું આંજતી.

ખરે બપોરે હરિ, મારે મો’લે આવો જો;

આવો તો પીવરાવું સાકર શેલડી.

આલીશ, આલીશ, વરિયાળીનાં શરબત જો;

હરિ, ઉપર રે આલીશ માખણ મટુકડી.

આવડી ને તેવડી......

ચોમાસાની હેલી હાય વણથંભી જો;

હરિ, મોરલિયા ટહૂકે, ને ઝૂરૂં એકલડી.

નમતા પો’રે હરિ, મારે મો’લે આવો જો;

આવો તો રમિયે માણેક સોગઠે.

કરીએ આપણ પ્રીત તણી બે વાતું જો;

હરિ, આવો તે અવસર ફેર નઈં મળે.

આવડી ને તેવડી......

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 230)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968