sarwan - Lokgeeto | RekhtaGujarati

સરવણ

sarwan

સરવણ

સાત સમદર વચમાં બેટ,

સરવણી વિયાંણી સમદર બેટ,

સરવણ રિયો ઈની માને પેટ,

સરવણ રિયો માના પેટ.

જેમ જેમ સરવણી પગલાં ભરે,

સરવણની મા મઈના ગણે!

સમદર લાવે સમંદર ફૂલ,

ત્યાં સરવણનો જલમ હુવો!

ફાલ્યો આંબો ને લાંબા પાન,

સરવણ ધાવે એની માના થાન!

છસાત મઈનાનો સરવણ થિયો,

લઈ પાટીને ભણવા ગયો!

ભણ્યોગણ્યો કંઈ વેદ વિચાર,

એને પરણાવું સરળવંતી નાર!

સકળની નાર સકળમાં રે’જો,

મારા અંધાની સેવા કરો!

તારા અંધાને નાખે કૂવે,

સેવા કરું સરવણ તારી!

ત્યાંથી સરવણ ચાલ્યો જાય,

સાસુ તણાં ઘર પૂછતો જાય!

ભલી સાસુ તારાં વાસણ ચૂએ,

તારી તે કુંવરીને ખોળે ધરે!

રો’ રો, જમઈ તમે જમતા જાવ,

કુંવરીના અવગુણ કે’તા જાવ!

તારી રસોઈ મને લીધી કેમ જાય,

મારાં અંધાને નાખે કૂવે!

અરે, કભારજાનું મોં કુણ જુવે.

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

સૂતારી તણા ઘર પૂછતો જાય.

ભલે સૂતારી તારા વાસણ સૂએ,

સારા તે લાકડે કાવડ જડી,

કાવડ કરીને ઉપર વાઢે છાપ,

એમાં પોઢાડું અંધીઅંધો બાપ.

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થશે મને ઓલે અવતાર!

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

લુહાર તણાં ઘર પૂછતો જાય,

ભલી લુહારણ વાસણ ચૂએ,

સારા તે લોઢે કાવડ જડી,

કાવડ જડી ને ઉપર વાળે છાપ,

એમાં પોઢાડું મારાં અંધીઅંધો બાપ,

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થાશે મને ઓલે અવતાર!

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

ભલે ઘાંચી, મારાં વાસણ ચૂએ,

સારા તે વાંહનો કંડિયો કરે,

કંડિયો કરીને ઉપર મારે છાપ,

તેમાં પોઢાડું મારાં અંધીઅંધો બાપ,

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થશે મને ઓલે અવતાર!

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

પીંજારી તણા ઘર પૂછતો જાય,

લે રે પીંજારી મારાં વાસણ ચૂએ,

સારા તે રૂનો પોલ કરે,

તેમાં પોઢાડું મારાં અંધીઅંધો બાપ,

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થશે મને ઓલે અવતાર!

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

મોચી તણાં ઘર પૂછતો જાય,

ભલે મોચી મારા વાસણ ચૂએ,

સારા તે ચામડાની પોટલી કરી,

પોટલીઓ કરીને ઉપર મારે છાપ,

પાણી પીશે મારાં અંધીઅંધો બાપ,

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થશે મને ઓલે અવતાર.

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

કંદોઈ તણા ઘર પૂછતો જાય,

ભલે કંદોઈ મારા વાસણ ચૂએ,

સાતે ભાતોનાં સુખડાં કરે,

સુખડાં કરીને ઉપર મારે છાપ,

જમશે મારાં અંધીઅંધો બાપ,

મારે લઈ જવા કાશીને ઘાટ,

ધરમ થશે મને ઓલે અવતાર.

ત્યાંથી સરવણ ચાલ્યો જાય!

લીધી કાવડ, થયો કાવડી,

વંદ્રાવનમાં સરવણ ચાલ્યો જાય,

ડાબાજમણા ભૈરવ થાય.

અંધીઅંધો તો તરસ્યા થાય,

બેટા સરવણ પાણી પા,

પાણી વિના કંઠડા સૂકાય,

ઘેલા અંધા તમે ઘેલું ના બોલો,

વંદ્રાવનમાં પાણી ક્યાંથી હોય?

નીચું સરોવર, નીચી પાળ,

કાવડ વળગાડી આંબા ડાળ.

પોટલિયો લઈ સરવણ જાય,

ચાલ્યો ચાલ્યો સરોવર જાય.

પોટલિયો ને ખળક્યાં નીર,

સરવણ વીંધ્યો પે’લાં તીર,

માળેથી ઉતરી રાજા દશરથ જાય,

કુણ છો રાય, કુણ છો રાય,

નથી હું રાયકો, નથી રાય,

કને આવે તો સગો ભાણેજ થાય,

કાંતુ મારી ભલકી સેવું તારો ઘાટ.

બળી તારી ભલકી, બળ્યો તારો ઘાટ,

અંધીઅંધાને મામા પાણી પા!

પોટલિયો લઈ રાજા દશરથ જાય,

નહીં સરવણ, નહીં એની ચાલ,

છેટેથી લાગે વન વકરાળ.

અંધાઅંધી તમે પાણી પીઓ,

તમારો સરવણ જળમાં રિયો.

તારાં પાણી પીધાં કેમ જાય,

મારે સરવણ છેટાં થાય!

સતની કાવડ આકાશ જાય,

સરવણ પાસે ઉતરી જાય,

તારે ત્રણેનો મેળાપ થાય!

બેટા સરવણ પાણી પા!

પાણી વિના અમારા કંઠડા સૂકાય,

ઊઠીને સરવણ પાણી પાય,

‘રાજા દશરથ તારે ચાર દીકરા,

મરતી વેળાના વિજોગ હુજો!’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 242)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957