paniDan gai’ti talaw - Lokgeeto | RekhtaGujarati

પાણીડાં ગઈ’તી તળાવ

paniDan gai’ti talaw

પાણીડાં ગઈ’તી તળાવ

આછાં આછાં રે, કે બેની મારો ઓઢણાં રે,

પાણીડાં ગઈ’તી તળાવ, કે બેડું મારું નંદવાણું રે.

કુવા કાંઠે રે, કે કાળમીંઢ કાંકરી રે,

મને વળતાં વાગી ઠેસ, બેડું મારૂં નંદવાણું રે.

ચૌટે બેઠા રે, કે બેની મારા સાસરા રે,

કેમ કરી ઘેર હું જઈશ? બેડું મારૂં નંદવાણું રે.

આઘો તાણીશ રે, કે બેની હું તો ઘૂમટો રે,

ઘુંઘટ તાણીને ઘેર જઈશ, બેડું મારૂં નંદવાણું રે.

ઉમરા વચ્ચે રે, કે બેની મારા સાસુજી રે,

કેમ કરી ઘરમાં જઈશ? બેડું મારૂં નંદવાણું રે.

પાયે પાડીને રે, કે વળી વિનવી રે,

કાંઈ સાસુને ઘરમાં જઈશ, બેડું મારૂં નંદવાણું રે.

સાસુએ પૂછિયું રે, કે પરણ્યે સાંભલ્યું રે,

ગુસ્સો ગયો આસમાન, બેડું મારૂં નંદવાણું રે.

ઘર પછવાડે રે, કે બેની લીલી લીમડી રે,

સોટા વાઢ્યા ચાર, બેડું મારૂં નંદવાણું રે.

પહેલો સોટો રે, કે બેની મને સમસમ્યો રે,

સાંભર્યાં મા ને બાપ, બેડું મારૂં નંદવાણું રે.

બીજો સોટો રે, કે બેની મને સમસમ્યો રે.

સાંભર્યાં ભાઈ ને ભોજાઈ, બેડું મારૂં નંદવાણું રે.

ત્રીજો સોટો રે, કે બેની મને સમસમ્યો રે,

સાંભર્યો સૈયરનો સાથ, બેડું મારૂં નંદવાણું રે.

ચોથો સોટો રે, કે બેની મને સમસમ્યો રે,

જીવડો ગયો આકાશ, બેડું મારૂં નંદવાણું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968