ranchhoD rangila - Lokgeeto | RekhtaGujarati

રણછોડ રંગીલા.

ranchhoD rangila

રણછોડ રંગીલા.

કાચા પાકા બાવળિયા વે’રાવો રે. રણછોડ રંગીલા.

તેની વેલ તે ભલી બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે ધોરી વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલો ખાંડિયો ને મીંડિયો બે ધોરી રે. રણછોડ રંગીલા.

આપણે જૂંસરા વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલા અજગરને લાવો હોરો ઝાલી રે. રણછોડ રંગીલા.

તેનું જૂંસેરું ભલું બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે નાડ વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલા ધામણાને લાવો હોરો ઝાલી રે. રણછોડ રંગીલા.

તેનો નાડ તે ભલો બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે રાશે વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલા ફેણિયાને લાવો હોરો ઝાલી રે. રણછોડ રંગીલા.

તેની રાશે તે ભલી બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે જોતરાં વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલી ઘોહટીને લાવો હોરી ઝાલી રે. રણછોડ રંગીલા.

તેનાં જોતેરાં ભલાં બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે પરોણી વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલી ફૂંફળીને લાવો હોરી ઝાલી રે. રણછોડ રંગીલા.

તેની પરોણી ભલી બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે આર વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલા વીંછીને લાવો હોરો ઝાલી રે. રણછોડ રંગીલા.

તેની આર તે ભલી બનાશે રે. રણછોડ રંગીલા.

આપણે ઘૂઘરા વના તે કેમ ચાલે રે. રણછોડ રંગીલા.

પેલા દેડકાને લાવો હોરો ઝાલી રે. રણછોડ રંગીલા.

તેના ઘૂઘરા તે ભલા બનાશે રે. રણછોડ રંગીલા.

ધોરી જોડ્યા એવા ઊડ્યા પવનપાળે રે. રણછોડ રંગીલા.

આગળ આવે છે ઊમરેઠ ગામ રે. રણછોડ રંગીલા.

ધોરી છોડો વિસામો મારે રે. રણછોડ રંગીલા.

આખા લીમડામાં એક ડાળ મીઠું રે. રણછોડ રંગીલા.

ત્યાં લીમડો ને પીંપળો પુજાય છે રે. રણછોડ રંગીલા.

રસપ્રદ તથ્યો

બોડાણા ભક્તની ભક્તિ જોઈને ભગવાન ડાકોર પધાર્યાં તે ઐતિહાસિક પ્રસંગે લોકભાષામાં-લોકગીતમાં વણાયેલો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957