phulDanni waDine phulDe rasali - Lokgeeto | RekhtaGujarati

ફૂલડાંની વાડીને ફૂલડે રસાળી

phulDanni waDine phulDe rasali

ફૂલડાંની વાડીને ફૂલડે રસાળી

ફૂલડાંની વાડીને ફૂલડે રસાળી,

છાબ ભરીને ફૂલ લાવી રે રામ.

કાકર મંદિર જાતાં મારા પાવલિયા રે દુઃખે,

કેમ કરી મંદિર જાવું રે રામ!

પૂનદાન કરતાં મારા હાથ ધરુજે,

કેમ કરી પૂનદાન કરવા રે રામ!

હરિ ગુણ ગાતાં મારી જીભડી રે દુઃખે,

કેમ કરી હરિ ગુણ ગાવા રે રામ!

બાર બાર ભેંશુંના વલોણા ઘૂમું,

કોઈને આપી પળી છાશું રે રામ!

બાઈ તે પડોહણ છાશ લેવા આવી,

નિરાશ પાછી કાઢી રે રામ!

બાઈ તે પડોહણ મેણલાં રે બોલે,

જમડાં જીવ લઈ જાશે રે રામ!

સઘળું કુટુંબ વીંટીને બેઠું,

કેમ કરી જમ જીવ લેશે રે રામ!

અંદણચંદણની કરકટી કીધી,

સાચા આસળુંના કીધા ખાંપણ રે રામ!

ચાર છેડે ચાર શ્રીફળ બાંધ્યાં,

સૂતરે બાંધી દીધી કાયા રે રામ!

પેલો વિહામો ઘર વચાળે ખાધો,

બીજો વિહામો નેવાં હેઠે રે રામ!

ત્રીજો વિહામો ગાને ગોંદરે કીધો,

ચોથો વિહામો સમશાન રે રામ!

આઘરેક જઈ જીવ પાછેરું રે જોવે,

કોણ કોણ હારે આવે રે રામ!

દેવતાની દોણી ને કડબની –કોળી,

છાણા સાથે આવે રે રામ!

દીકરા હશે તો ફેરાં રે ફરશે,

જમણે અંગૂઠે આગ્ય મેલી રે રામ!

સોના વરણી એની કાયા જલેને,

રુપલા વરણી ધૂંહ ઊડે રે રામ!

ધરમરાજા અમારા ખાતાં રે ખોલો,

અમને ભૂખું લાગી રે રામ!

સામા ઓરડિયામાં બતરીશ ભોજન,

જમાડ્યાં હોય તો જમજો રે રામ!

જમાડ્યા નો’તા જમવા ગિયા,

ભડકા થઈને ઊડી ગયા રે રામ!

ધરમરાજા આમારા ખાતાં રે ખોલો,

અમને તરસ્યું લાગી રે રામ!

સામા ઓરડિયામાં અમીરસ પાણી,

પીવરાવ્યાં હોય તો પીજો રે રામ!

પીવરાવ્યા નો’તાને પાણી પીવા ગયા,

ખાલા ગોળાં ઠણક્યાં રે રામ!

ધરમરાજા અમારા ખાતાં રે જોવો.

એકવાર મનખ્યામાં મેલો રે રામ!

મોટો રચાવું મંડપ માંડવોને,

ધોળી ધજા બંધાવું રે રામ!

ધર્મેધોળે દીકરી પરણાવુંને,

ફૂલડાંની વાડી રચાવું રે રામ!

(કંઠસ્થઃ લાછબાઈ સોલંકી, ગામ ઊંચડી)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ