kathiyani - Lokgeeto | RekhtaGujarati

કાઠિયાણી

kathiyani

કાઠિયાણી

કાઠિયાણી કેડ પાતળી રે લોલ,

ચાલે ચટકતી ચાલ, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

પાંચ પટાનો ઘાઘરો રે લોલ,

ઓઢણી દખણી ચીર અલબેડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

લીલી અટલસનું કાપડું રે લોલ,

હૈડે હંસલા ને મોર, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

ઠાંસીને માથાં ગુંથિયાં રે લોલ,

સેંથલે શેર સીંદુર, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

આછી તે પિયળ ધમધમે રે લોલ,

મોતીડાં તપે રે લેલાડ, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

સોના ઈંઢોણી રૂપાં બેડલું રે લોલ,

પાણીડાં ગ્યાં’તાં તળાવ, અલબેડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

રાયે તે ઘોડો ખેલવ્યો રે લોલ,

પરધાનને પૂછી વાત, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

કેરસ કેરી બેટડી રે લોલ,

કેરસ કુળ વહુવારુ? અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

કેરસ કેરી બેનડી રે લોલ,

કેરસ ઘરડાની નાર, અલબેલડી;

અહુરી વેળાનાં પાણી સાંચર્યાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968