Dhel Dhali - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢેલ ઢળી

Dhel Dhali

ઢેલ ઢળી

[ઊભા ઊભા ગાવાનો એક તાળીનો રાસડો]

આજ મારે સોનાની શરણાયે તે સૂરજ ઊગીઓ રે લોલ,

આજ મારે બાંધવડો પરણે કે મૈયરનું નોતરું રે લોલ.

આજ મારા ચોરાના ચોવટિયા સાસરા જીવો ઘણું રે લોલ,

તમે મેલો તો જાયેં રે મૈયરને નોતરે રે લોલ.

મારા છોકર વવારુ શીદ થાઓ છો ઘેલડાં રે લોલ,

તમારાં સાસુજીને પૂછી જાજો નોતરે રે લોલ.

આજ મારાં સાંગામાંચીએ બેઠા સાસુજી જીવો ઘણું રે લોલ,

તમે મેલો તો જાયેં રે મૈયરને નોતરે રે લોલ.

મારાં છોકર વવારું શીદ થાઓ છો ઘેલડાં રે લોલ,

તમારા જેઠજી પૂછી જાજો નોતરે રે લોલ.

આજ મારા ઘોડાના ખેલવનાર જેઠજી જીવો ઘણું રે લોલ,

તમે મેલો તો જાયેં રે મૈયરને નોતરે રે લોલ.

મારાં છોકર વવારું શીદ થાઓ છો ઘેલડાં રે લોલ,

તમારી જેઠાણીજીનો પૂછી જાજો નોતરે રે લોલ.

મારાં પુતર ધવરાવતાં જેઠાણીજી જીવો ઘણું રે લોલ,

તમે મેલો તો જાયેં રે મૈયરને નોતરે રે લોલ.

મારાં છોકર વવારું શીદ થાઓ છો ઘેલડાં રે લોલ,

તમારા પરણ્યાજીને પૂછી જાજો નોતરે રે લોલ.

મારાં ઓરડાના ભોગી પિયુજી જીવો ઘણું રે લોલ,

તમે મેલો તો જાયેં રે મૈયરને નોતરે રે લોલ.

મારા કહ્યા વન્યા માથડિયાં ગૂંથજો રે લોલ,

મારા કહ્યા વન્યા સેંથલિયા પૂરજો રે લોલ.

મારા કહ્યા વન્યા કાજળિયાં આંજજો રે લોલ,

મારા કહ્યા વન્યા શણગારીઆં સજજો રે લોલ,

એના કહ્યા વન્યા માથડિયાં મેં ગૂંથીઆં રે લોલ,

એના કહ્યા વન્યા સેંથલિયા મેં પૂરીઆ રે લોલ.

એના કહ્યા વન્યા કાજળિયા મેં આંજીઆં રે લોલ,

એના કહ્યા વન્યા ચાલી મૈયરને નોતરે રે લોલ.

મારા સાસરો દેખે ને ઝાલી ચોટલે રે લોલ,

મારા જેઠજી દેખે ને નાખી ઘોડલે રે લોલ.

મારા વીરાની વાડીમાં પરણ્યો પહોંચિયા રે લોલ,

પરણ્યે ચોટલિયો ઝાલીની માથાં વાઢિયાં રે લોલ!

મૂરખે મારીને વચાર્યું કે જાણ્યે ઢેલ્ય ઢળી રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ