pariksha - Lokgeeto | RekhtaGujarati

પરીક્ષા

pariksha

પરીક્ષા

સાત કૂવા ને સાત પાવઠાં; સોળે ચાલે પાણીડાંની હાર :

મારા છેલડા! રો’ને, રતનગઢ રાજમાં.

પાદર પરદેશીએ તંબૂ તાણિઓ, પરદેશી બેઠેલો પાળ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

કાખમાં પુતર ને પાણી હાંસર્યાં; તોય આવી સાસુડીને મે’ર :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

સોળેયનાં મોઢાં છે; ઉજ્ળાં; ને તારલો કેમ ભીનો વાન ?

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

સોળેયનાં પિયડા ઘેર છે; મારલો પિયુ પરદેશ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

મેલો પિયર ને મેલો સાસરું, ચાલોને અમારલી સાથ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

લાજે પિયર ને લાજે સાસરું, લાજે મારાં મા ને બાપ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

પિયરમાં લાજે મારો મા-જણ્યો, ને લાજે મારો પિયુ પરદેશ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

વારી જાઉં ગોરાંદે તારા બોલને, રાખી મારા ઘરડાની લાજ :

મારા છેલડા! રો’ને રતનગઢ રાજમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 291)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968