ghate nahi tamne re - Lokgeeto | RekhtaGujarati

ઘટે નહિ તમને રે

ghate nahi tamne re

ઘટે નહિ તમને રે

આવે રૂડો જમનાજીનો આરો, કદંબ કેરી છાંય રે,

ત્યાં કાંઈ ખેઠાં રાધાજી નાર, કસુંબલ ઓઢી રે.

એને કસુંબે કસબી કોર, પાલવ રૂડો ઝલકે રે,

ત્યાં કાંઈ આવ્યો કાનુડો દાણી, છેડો લીધો તાણી રે.

દસ સાદ કરે દીનોનાથ, બોલે નારી રે,

‘બોલો બોલો રાધાગોરી નાર, અબોલા શેના રે.’

વા'લે હીરના હીંચેાળા બંધાવી, હીંચોળેલ અમને રે,

હવે કૂવામાં ઊતારી વરત વાઢો, ઘટે નહિ તમને રે,

વા’લે ફૂલના પછેડા એઢાડી, રમાડેલ અમને રે,

હવે ધેાળી ધાબળડી ઓઢાડો, ઘટે નહિ તમને રે.

વા'લે દૂધ ને સાકરડી પાઈ, ઉઝેરેલ અમને રે,

હવે વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નહિ તમને રે.

વા'લે ઝાંઝરને ઝણુકારે રમાડેલ અમને રે,

હવે મહીડાં લૂંટી લૂંટી ખાવ, ઘટે નહિ તમને રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981