prnay kalah - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રણય-કલહ

prnay kalah

પ્રણય-કલહ

પ્રભુજી વનમાં ચારે ધેન, વગાડે રૂડી વાંસળી રે લોલ!

રાધા ગોરી ભાતડિયાં લઈ જાય, ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ!

પ્રભુજી ક્યાંરે ઉતારું ભાત, કે ક્યાં બેસી જમશો રે લોલ!

રાધા ગોરી આસોપાલવને ઝાડ, ફરતી છાંયડી રે લોલ!

રાધા ગોરી ત્યાં ઉતારો ભાત, કે ત્યાં બેસી જમશું રે લોલ!

રાધા ગોરી ડુંગર ચડયેલ ધેન, કે ધેન પાછી વાળજો રે લોલ!

પ્રભુજી તમારી ચારેલ ધેન કે અમ થકી નહિ વળે રે લોલ!

પ્રભુજીને ચટકેલ ચડિયેલ રીસ, કે જમતાં ઊઠિયાં રે લોલ!

મારી મારી અવળા સવળી ઠોંઠ, ડાબા પગની મોજડી રે લોલ!

રાધાજીને ચટકે ચડિયલ રીસ, કે ભોગળ ભીડિયાં રે લોલ!

ઝીણાં ઝરમર વરસે મેઘ, પ્રભુ ભીંજાય બારણે રે લોલ!

રાધા ગોરી ઉઘાડો જોડ કમાડ, પ્રભુ ભીંજાય બારણે રે લોલ!

જાવ જાવ માનેતી ને મો'લ, કે અહીં શીદ આવિયા રે લોલ!

જાશું જાશું માનેતી ને મો'લ, કે પછી થાશે ઓરતાં રે લોલ!

પ્રભુજીને આંગણ ઊંડી કુઈ, કે કંકર નાંખિયા રે લોલ!

ધબકે ઊઘાડ્યાં જોડ કમાડ, કે પ્રભુની ગોતે નીસર્યા રે લોલ!

કોઈ મને દેખાડો દીનાનાથ, કે આપું વધામણી રે લોલ!

આપું આપું… હૈડા કેરો હાર, કે માથા કેરી દામણી રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988