paDwe preet karun chhun paheli - Lokgeeto | RekhtaGujarati

પડવે પ્રીત કરું છું પહેલી

paDwe preet karun chhun paheli

પડવે પ્રીત કરું છું પહેલી

પડવે પ્રીત કરું છું પહેલી,

વાલે મારે અઘોર વનમાં મેલી;

દિવસ બહુ થયાં રે લોલ!

બીજે કાંઈ જાણું બીજુ,

જોબન ભમરો થઈને ઊડે;

દિવસ બહુ થયાં રે લોલ!

ત્રીજી તન તપે તમારા,

જોબન વયા જશે અમારા;

દિવસ બહુ થયાં રે લોલ!

ચોથે ચતુરા સરખી નારી,

મનડા રાખ્યા એને વારી;

દિવસ બહુ થયાં રે લોલ!

પાંચમે પરદેશ કીધી પ્રીતું,

વાલે મારે રાખી છે રીતું;

દિવસ બહુ થયાં રે લોલ!

છઠ્ઠે છઠ્ઠીના લખ્યા લેખ,

વિધાત્રીએ અવળા લખ્યા લેખ;

દિવસ બહુ થયાં રે લોલ!

સાતમે આવોને અલબેલા,

મારા રંગીલાના રેલી;

દિવસ બહુ થયાં રે લોલ!

આઠમે આનંદ ઔછવ થાય,

ગોપીયું ગરબે રમવા જાય;

દિવસ બહુ થયાં રે લોલ!

નવમે નમીએ મારા નાથ,

હરિએ ઝાલ્યા તેમના હાથ;

દિવસ બહુ થયાં રે લોલ!

દશમે દયા કરી દીનબેલી,

વાલે મારે કૂવામાં મેલ્યા ઠેલી;

દિવસ બહુ થયાં રે લોલ!

અગીયારશે એકાદશીના વ્રત,

વાલે મારે બહુ કર્યા છે તપ;

દિવસ બહુ થયાં રે લોલ!

બારશે બત્રીશ વાડીની રસોયું,

તેરશે તેત્રીશ વાડીના શાક;

દિવસ બહુ થયાં રે લોલ!

ચૌદશે ચિંતા મેલી નાથ,

હરિએ ઝાલ્યો મારો હાથ;

દિવસ બહુ થયાં રે લોલ!

પુનમે પંદર તિથિ થઈ પૂરી,

તેમાં એક નથી અધુરી;

દિવસ બહુ થયાં રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964