bar bairi - Lokgeeto | RekhtaGujarati

બાર બૈરી

bar bairi

બાર બૈરી

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

બોડી કે’ મારે વેણી જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

વડોદરે જવા તું નથી, ને વેણી લવાતી નથી;

બોડી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

ચીબી કે’ મારે ચુની જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

ચાણોદ જવાતું નથી, ને ચુની લવાતી નથી;

ચીબી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

ઠુંઠી કે’ મારે બંગડી જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

બેંગલોર જવાતું નથી, ને બંગડી લવાતી નથી;

ઠુંઠી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

બુઢી કે’ મારે ઘોડો જોવે, હમજી લ્યો ભઈ હમજી લ્યો!

ગોરજ જવાતું નથી, ને ઘોડો લવાતો નથી;

બુઢી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

લુલી કે’ મારે ઝાંઝરી જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

જરોદ જવાતું નથી, ને ઝાંઝરી લવાતી નથી;

લુલી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

લંગડી કે’ મારે ચંપલ જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

ગોધરા જવાતું નથી, ને ચંપલ લવાતાં નથી;

લંગડી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

પાતળી કે’ મારે પટોળું જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

પાટણ જવાતું નથી, ને પટોળું લવાતું નથી;

પાતળી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

માનીતી કે’ મારે મોડિયું જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

મથુરા જવાતું નથી, ને મોડિયું લવાતું નથી;

માનીતી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભાઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

નાની કે’ મારે નાડું જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

નડિયાદ જવાતું નથી, ને નાડું લવાતું નથી;

નાની મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

બે’રી કે’ મારે વાજું જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

રતલામ જવાતું નથી, ને વાજું લવાતું નથી;

બેરી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

આંધળી કે’ મારે દીવો જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

દમણ જવાતું નથી, ને દીવો લવાતો નથી;

આંધળી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

એક ડોહાને બાર બૈરી, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

બુચી કે’ મારે એરીંગ જોવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

અમદાવાદ જવાતું નથી, ને એરીંગ લવાતાં નથી;

બુચી મારૂં લોહી પીવે, હમજી લ્યો, ભઈ હમજી લ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968