shrikrishnno krodh - Lokgeeto | RekhtaGujarati

શ્રીકૃષ્ણનો ક્રોધ

shrikrishnno krodh

શ્રીકૃષ્ણનો ક્રોધ

કૃષ્ણજી તમને કહું કર જોડ, કે સુણો પ્રભુ વિનતિ રે લોલ.

પ્રભુજી, નહિ કાંઈ તમારો દોષ, કે નઠોર થયા મુજ પતિ રે લોલ.

પ્રભુજી, તમસું એવડી હાંસ, કે કરવી કેમ ઘટે રે લોલ.

પ્રભુજી, લખ્યા છઠ્ઠીના લેખ, કે ટાળ્યા નહિ ટળે રે લોલ.

પ્રભુજી દોષ નહિ તમ કોઈ, કે કિરતાર એવું ગમે રે લોલ.

પ્રભુજી, છોરૂ કછોરૂ થાય, કે માવતર તોય ખમે રે લોલ.

પ્રભુજી, તમથી મોટી લાજ, કે કાજ વિચારિયે રે લોલ.

પ્રભુજી, વિનવું જોડી હાથ, કે રોષ નિવારિયે રે લોલ.

પ્રભુજી, તમે મોટા મહારાય, કે મનમાં જાણશો રે લોલ.

પ્રભુજી, પોતાના પરિવાર, કે દિલમાં આણીએ રે લોલ.

પ્રભુજી, મોટા હોય દાતાર, કે બોલે મુખ મીઠડું રે લોલ.

પ્રભુજી, મોટા કરે આળ, કે કરે અણદિઠડું રે લોલ.

દ્રૌપદી, તારા પતિના બોલ, કે ક્ષણ ક્ષણ સાંભરે રે લોલ.

દ્રૌપદી, એણે કીધાં જે કામ, કે વેરી પણ નઈં કરે રે લોલ.

દ્રૌપદી, મારી એક વાત, કે ગદા પાછી નઈં ફરે રે લોલ.

દ્રૌપદી, બળ દેખાડું હું આજ, કે હરિ મન રીસ ધરે રે લોલ.

દ્રૌપદી, વિલખાણી તેણી વાર, કે આંખે આંસુડાં ઢળે રે લોલ.

પ્રભુજી, એવડો કરો રોષ, કે ઊભી એમ ટળવળે રે લોલ.

પ્રભુજી, ફઈ કુંતાની લાજ, કે દીલમાં આણવી રે લોલ.

પ્રભુજી, પાંડુ રાયની મનાઈ, કે મનમાં જાણવી રે લોલ.

પ્રભુજી, ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ, કે સહુ તમને કહે રે લોલ.

પ્રભુજી, તમ શરણે જે આય, કે સહુ નર નીર વહે રે લોલ.

પ્રભુજી, કઠોર થયા તમે આજ, કે કેમ હોંસે સહી રે લોલ.

પ્રભુજી. કઠણ કરમની વાત, કે વાંક કેનો નહિ રે લોલ.

પ્રભુજી, બાંહ્ય ગ્રહયાની લાજ, કે રાખો હેત લઈ રે લોલ.

પ્રભુજી, કરણી તણાં ફળ એ, કે હું તમારી બેનડી રે લોલ.

પ્રભુજી, પૂરવ ભવનાં પાપ, કે મારે વેળા પડી રે લોલ.

પ્રભુજી, તમથી એવડી ઘાત, કે હવે હું કેમ સહુ રે લોલ.

પ્રભુજી, અખંડ સુવાસણ રાખો, કે ઝાઝું શું કહું રે લોલ.

પ્રભુજી, રાખો એટલી લાજ, કે છોરૂ કરી છોડવા રે લોલ.

પ્રભુજી, મેલો મનની રીસ, કે વે’લા રથ જોડવા રે લોલ.

એવાં વચન સુણી જદુરાય, કે મન શું વિચારિયું રે લોલ.

હવે મળિયો અબળાનો અંત, કે એમ મન વાળિયું રે લોલ.

કેશવે ઉપાડી લોહનો દંડ, કે કોપ કરી તીહાં રે લોલ.

પાંચે રથ કીધા ચકચૂર, કે પાંડવ ઊભા રિયા રે લોલ.

ભાખે રોષ ધરી હરિરાય, કે આણ મારી વહે રે લોલ.

પાંડવ, તમારો સહુ પરિવાર, કે રહેવા નઈં દઉં રે લોલ.

રહેજો દ્રષ્ટીથી તમે દૂર, કે પાસે મતી આવજો રે લોલ.

પ્રભુજી, મન ફાટ્યો સંધાય, કે સહી એમ જાણજો રે લોલ.

પ્રભુજી, રથ મરદનને ઠામ, કે કોઠો વસાવિયો રે લોલ.

પ્રભુજી, સૈન્ય સકળ તેણી વાર, કે સનમુખ આવિયો રે લોલ.

પ્રભુજી, દુવારકા સઉ સાથ, કે પહોંચ્યો તે સહી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968