morli - Lokgeeto | RekhtaGujarati

મોરલી

morli

મોરલી

માવા, તારી મોરલી રે, અમને દુખડાં દે દા’ડી દા’ડી.

પગનું ઝાંઝર હાથમાં પેર્યું ને હાથની ચુડી પગમાં,

વેણી વીખુટી ભૂલી ગઈ, ને અંબોડે દીધી આંટી;

માવા, તારી મોરલી રે, અમને દુખડાં દે દા’ડી દા’ડી.

બોઘણું લઈ, ગાય દોવા બેઠી, સાડી ભીંજાણી નો જાણી,

વાછરૂ વાળતાં ભૂલી ગઈ, ને બાળક બાંધ્યાં તાણી;

માવા, તારી મોરલી રે, અમને દુખડાં દે દા’ડી દા’ડી.

ઘી રે તાવીને મેં છાસમાં રેડ્યાં, ને દૂધમાં રેડ્યાં પાણી,

નેતરે કરી નાવલિયો બાંધ્યો, જાણ્યો નઈં ઘરનો ધણી;

માવા, તારી મોરલી, રે અમને દુખડાં દે દા’ડી દા’ડી.

એંઢોણી લઈ જળ ભરવા ચાલી, સાડીની શુધ બુધ ભૂલી.

જળ ભરી ને હું ઘેર રે ચાલી, ત્યાં એંઢોણી આરે ભૂલી;

માવા, તારી મોરલી, રે અમને દુખડાં દે દા’ડી દા’ડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968