miran mangal - Lokgeeto | RekhtaGujarati

મીરાં મંગળ

miran mangal

મીરાં મંગળ

ઓતરાખંડમાં મીરાંબાઈ અવતર્યાં રે,

મીરાંબાઈ ધાવીને મોટાં થાય; સાચા બેલી રામ ગિરધારી રે.

મીરાંબાઈ પાંચ વરહનાં થઈ રિયાં રે,

મીરાંબાઈ નિહાળે ભણવા જાય; સાચા બેલી રામ ગિરધારી રે.

મીરાંબાઈ બાર વરહનાં થઈ ગયાં રે,

દાદા, રાયવર જોવા જાય; સાયા બેલી રામ ગિરધારી રે.

દાદા, રાયવર સાથે નૈ વરું રે,

સાચો શામળિયો ભડથાર; સાચા બેલી રામ ગિરધારી રે.

મીરાંબાઈ સાસરવરણાં થઈ ગયાં રે,

મીરાંબાઈને શામળિયો ભડથાર; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણોજી લખીને કાગળ મોકલે રે,

મીરાંબાઈ, એક વાર મળવા આવો, સાચા બેલી રામ ગિરધારી રે.

રાણોજી સાચા તે સાળુ મોકલે રે,

મીરાંબાઈ, એક વાર સાળુ પેર્ય; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણાજી, સાચા સાળુ નૈ પેરું રે,

મારે ભગવામાં ભગવાન; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણોજી હેમના તે હાર મોકલે રે,

મીરાંબાઈ, એક વાર હાર તું પેર્ય, સાચા બેલી રામ ગિરધારી રે.

રાણાજી, હારના તે મને નથી ઓરતા રે,

તુળશીની માળામાં ઘનશ્યામ; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણોજી બતરીશાં ભોજન મોકલે રે,

મીરાંબાઈ, ભાવતાં ભોજન ખાવ; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણાજી, તારા ભોજનિયાં નથી ભાવતાં રે,

ટાઢા ટૂકડા અમરત સમાન; સાચા બેલી રામ ગિરધારી રે.

રાણોજી ઝેરના કટોરા મોકલે રે,

જઈને દેજો મીરાંને હાથ; સાચા બેલી રામ ગિરધારી રે.

મીરાંબાઈ અમરત ગણીને પી ગયાં રે,

આવ્યા અમીના ઓડકાર; સાચા બેલી રામ ગિરઝારી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 186)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968