man bhamra - Lokgeeto | RekhtaGujarati

મન ભમરા

man bhamra

મન ભમરા

કાચી કાયાનો રેંટિયો, મન ભમરા,

ભમરિયે ભગવાન, શું કરે જમડાં?

રામના નામનો ફાળકો, મન ભમરા.

ચમરખે શાળેકરામ, શું કરે જમડાં?

ન્યાંથી તે જીવ હાલિયો, મન ભમરા,

ગિયો છે સરઘ દુવાર, શું કરે જમડાં?

સરઘનાં બારણાં દીધેલાં, મન ભમરા,

કુંચિયું કરશનજીને હાથ, શું કરે જમડાં?

લાવો કરશનરાય કુંચિયું, મન ભમરા,

ઉઘાડો સરઘ દુવાર, શું કરે જમડાં?

આવોજી, બેહોજી બેહણે, મન ભમરા,

કરો તમારા કળજગની વાત, સું કરે જમડાં?

કળજક કડવો લીંબડો, મન ભમરા,

સારો છે સરઘ દુવાર, શું કરે જમડાં?

શું રે ખાધું ને શું વાપર્યું? મન ભમરા,

શેનાં દીધાં છે દાન? શું કરે જમડાં?

અન્ન ખાધું ને ધન વાપર્યું, મન ભમરા,

ગવતરીનાં દીધેલાં દાન, શું કરે જમડાં?

બેન્યું ભાણેજુંને તેડિયું, મન ભમરા,

વસ્તરનાં દીધેલાં દાન, શું કરે જમડાં?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968