mamerun - Lokgeeto | RekhtaGujarati

મામેરું

mamerun

મામેરું

ધન ધન માતા દેવ સખી,

નરસીં મે’તાને દીકરી હતી!

કુંવરબઈની સગઈ કરો,

કુંવરબઈને નાનો એવો સખો!

કુંવરબઈનાં એંણલાં આવ્યાં,

કુંવરબઈના માથડા ગૂંથો!

માણાનું તેલ બઈના માથડે નાખો,

શેરે સિંદૂર બઈના માથડિયે પૂરો!

કુંવરબાઈને સાસરે વોળાવો!

બીજે માસ સૈયરુંને સંભળાવ્યું,

ત્રીજે માસ તલનો ભાવ,

ચોથે માસ ચોખાનો ભાવ,

પાંચમે માસ –નો ભાવ,

છમે માસ બઈને આંખડી દેવરાવો,

પાણી ભર્યાની આંખડી દેવરાવો,

સાતમે માસ બઈને ખોળો ભરાવો,

આઠમે માસ બઈને આંખડી દેવરાવો.

નથી લાવ્યો લીલું ઘરચોળું,

નથી લાવ્યો રાતો ઘાઘરો,

નથી લાવ્યો લીલું કાપડું,

નથી લાવ્યો નાડાછડીનો દોરો,

નથી લાવ્યો પડાપાંદડીનો પડો,

નથી લાવ્યો કંકુનો પડો,

નથી લાવ્યો વાંકડી સોપારી,

નથી લાવ્યો સૂંઠનો ગાંઠિયો,

નથી લાવ્યો રાતું નાળિયેર,

નવ રે માસ બઈને મામેરાનો સમો!

કાગળિયાં લખો નરસીં મે’તાને હાટ!

કાગળિયાં વાંચે ને મે’તા કરે વચાર!

નરસીં મે’તા મામેરાં શાનાં ભરે?

મે’તે સમર્યા શરી ભગવાન!

મામેરું ભરસે શરી ભગવાન!

નરસીં મે’તાએ વે’લ સાબદી કરી!

નરસી મે’તાને ઉતારા દેવરાવો!

નાની છાપરી ઠીંકરે છવી!

ઝાઝા ચાંચડ ને ઝાઝા જૂવા,

તિયાં મે’તાના ઉતારા હૂવા!

નરસીં મે’તાને નાવણિયા કરાવો,

લાવો તાંહ ને લાવો તંગ,

ઊના પાણી ટાઢા કરો.

ઓતરદખણ એક વાદળી ચડી,

મેવલા વરસે અનરાધાર.

નળિયામાં નીર નૈં માય,

નરસીં મે’તા નાળ્યે નાય

વરસે મેવલો બસબસ થાય.

ત્યારે આવ્યાં કુંવરબાઈ,

ભલે આવ્યા તમે મારા પતા!

મારાં મામેરાં શાં શાં લાવ્યા?

ના રે બઈ, હું તો જાણતો નથી,

જાણું ખરો, પણ કે’તો નથી.

ત્યારે કુંવરબાઈ સાંસતી બોલી :

મા મૂવા તારે અમે શું હુવા.

ફૂટે ઘડો ને રઝળે ઠીંકરી,

માયે વિનાની રઝળે દીકરી.

માયે વિનાના બાપનાં હેત,

ગોળે વિનાનો મોળો કંસાર,

માયે વિના એવો સૂનો સંસાર.

મીઠા વિના એવા મોળા અન્ન,

માયે વિના એવા બાપના મન!

એટલું કીધું ને કુંવરબઈ ઘેર પધાર્યાં,

આઘેરેક જાય ને કુંવરને સાસુ મળ્યાં.

વહુ રે વહુ તારા પત્યા આવ્યા,

તારા મામેરા કાજ શું શું લાવ્યા?

ના રે બઈ, હું તો જાણતી નથી,

જાણું ખરી, પણ કે’તી નથી!

આઘેરેક જઈ બઈ સાસરે મળ્યા,

વહુ રે વહુ, તારા પત્યા આવ્યા!

તારાં મામેરાં શાં શાં લાવ્યા?

ના રે બઈ, હું જાણતી નથી!

આઘેરેક જઈ બઈની જેઠાણી મળ્યાં.

વહુ રે વહુ, તારા પત્યા આવ્યા,

તારા ને મારા, મામેરા શા શા લાવ્યા?

ના રે બઈ, હું જાણતી નથી,

જાણું છું ખરી, પણ કે’તી નથી.

આઘેરેક જઈ બઈને જેઠજી મળ્યા.

વહુ રે વહુ તારા પત્યા આવ્યા,

તારા ને મારા મામેરા શા શા લાવ્યા?

ના રે બઈ હું તો જાણતી નથી!

જાણું છું ખરી, પણ કે’તી નથી!

આઘેરેક જઈ બઈની દિયરાણી મળ્યાં.

વહુ રે વહુ તારા પત્યા આવ્યા!

તારા ને મારા મામેરા શા શા લાવ્યા?

ના રે બઈ, હું તો જાણતી નથી,

જાણું છું ખરી, પણ કે’તી નથી!

આઘેરેક જઈ બઈને દેરજી મળ્યા!

વહુ રે વહુ તારા પત્યા આવ્યા!

તારા ને મારા મામેરા શા શા લાવ્યા?

ના રે બઈ, હું તો જાણતી નથી!

જાણું છું ખરી, પણ કે’તી નથી.

આઘેરેક જઈ બઈને પરણ્યોજી મળ્યા!

વહુ રે વહુ, તારા પત્યા આવ્યા!

તારા બાપાને શીદના તેડાવ્યા?

સાસરા ભાળીને ધણી ઝાંખા પડ્યા!

આઘેરેક જાય ત્યાં બઈને નણદલ મળ્યાં!

પહેર રે વહુ પથરા બેચાર!

એટલું કીધું ને કુંવર રહ રહ રોવે!

એટલું કીધું ને કુંવર ઘરે પધાર્યાં!

ન્યાં નવાનગરથી શેઠજી આવ્યા,

ન્યાં વળતાં શેઠાણી આવ્યાં,

ન્યાં જોવાને લોક મળિયાં રે!

‘તમે મે’તાના શા સગપણે રે?’

‘અમે મે’તાના વાણોતર કે’વાઈ,

અમે વાણિયા ને બરામણ રે,

તેડાવો કુંવરબઈને રે!’

કુંવર કે’જો મામેરાની રીતો રે,

જે કે’શો રીતે ભરશું રે.

મારા હાહરાને દડા ને દોડી રે.

સાસુડીને કાપડાંની કોઠી રે.

નવાનગરથી શેઠજી આવ્યા રે!

ન્યાં વળતાં શેઠાણી આવ્યાં રે!

ન્યાં લોક જોવાને મળિયાં રે!

તમે મે’તાના શા સગા રે?

અમે મે’તાના વાણોતર રે!

અમે વાણિયા ને બરામણ રે!

તેડાવો કુંવરબઈને રે!

કુંવર કે’જો મામેરાની રીત રે!

જે કે’શો રીતે ભરશું રે!

જેઠાણીને પટોળાંની જોડ્યું રે!

મારા જેઠને ચલણ ઘોડલા રે!

નવાનગરથી શેઠજી આવ્યાં રે!

ન્યાં લોક જોવાને મળિયાં રે!

તમે મે’તાના શા સગા રે?

અમે મે’તાના વાણોતર રે!

અમે વાણિયા ને બરામણ રે!

તેડાવો કુંવરબઈને રે!

કુંવર કે’જો મામેરાની રીતું રે!

જે કે’શો રીતે ભરશું રે!

તારા દે’રને દડો ને દોડી રે!

દેરાણીને સમરુની જોડી રે!

નવાનગરથી શેઠજી આવ્યા રે!

ન્યાં વળતાં શેઠાણી આવ્યાં રે!

ન્યાં લોક જવાને મળિયાં રે!

તમે મે’તાના શા સગા રે?

અમે મે’તાના વાણોતર રે!

અમે વાણિયા ને બરામણ રે!

તેડાવો કુંવરબઈને રે!

કુંવર કે’જો મામેરાની રીતુ રે!

જે કે’શો રીતે ભરશું રે!

મારી નણદાને પથરાની જોડું રે!

હાં હાં રે, કુંવર, તમે ભૂલ્યાં રે!

ના રે ના, દાદા, નથી ભૂલ્યા રે!

કુંવરબાઈ મામેરા પામ્યા રે!

આખી નગરી મામેરાં પામી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959