krishnna mahina - Lokgeeto | RekhtaGujarati

કૃષ્ણના મહિના

krishnna mahina

કૃષ્ણના મહિના

કારતકે કૃષ્ણ ગયા મેલી રે,

મારે ઘેર આવો વનમાળી,

કુબજા કેમ રે ગમે કાળી,

આવો હરિ રાસ રમેવાને!

માગસર મારગડે રમતાં,

ભેળા બેસી ભોજનિયાં જમતાં,

હવે હરિ કેમ નથી ગમતાં,

આવો હરિ રાસ રમેવાને!

પોષે તો શોષ પડ્યા અમને,

ત્રિકમજી શું કહીએ તમને,

દિલાસા શા રે દીધા અમને,

આવો હરિ રાસ રમેવાને!

માઘે મહા અંધારી રાતો,

ફૂલડાંએ બિછાવી ખાટ્યો,

વહાલે લીધી મથુરાની વાટ્યો,

આવો હરિ રાસ રમેવાને!

ફાગણે ફેર ફરે હોળી,

પહેરણ ચરણાં રે ચોળી,

ચૂંદડી કેસરમાં રોળી,

આવો હરિ રાસ રમેવાને!

ચઈતરે ચિતડું કરે ચાળા,

મધુવન મોરલીઓવાળા,

દરશન દોને ડાકોરવાળા,

આવો હરિ રાસ રમેવાને!

વઈશાખે વાટલડી જોતી,

ઊભી ઊભી ધ્રુસકડે રોતી,

પાલવડે આંસુડાં લોતી,

આવો હરિ રાસ રમેવાને!

જેઠે જગજીવન આવે,

વધામણી સહુ લોક લાવે,

વાલો મારો કશુંયે કહાવે,

આવો હરિ રાસ રમેવાને!

અષાડે અબળા રહી ઝાંખી,

વહાલે મારે ભરજોબન રાખી,

વિચારો તો વાત થશે વાંકી,

આવો હરિ રાસ રમેવાને!

શ્રાવણ જતો સરવડીએ વરસે,

નદીએ નીર ઘણાં ઢળશે,

વાલો મારો કેમ કરી ઊતરશે,

આવો હરિ રાસ રમેવાને!

ભાદરવો ભલી પેઠે ગાજે,

વાલા, થઈ વિહ્વળ તમ કાજે,

વાલો મારો જરીયે ના લાજે,

આવો હરિ રાસ રમેવાને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 337)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957