krishnna mahina - Lokgeeto | RekhtaGujarati

કૃષ્ણના મહિના

krishnna mahina

કૃષ્ણના મહિના

કારતકે કૃષ્ણ ગયા કાળી,

મારે ઘેર આવો વનમાળી,

કુબજા તો સૌને ગમે કાળી,

ઓધવજી! ના રે ઘટે હરિને!

માગશરે મરઘા તણી રાતે

ગૌરીને દોવાને જાતે,

વાલો મારો મથુરાની વાટે,

ઓધવજી! ના રે ઘટે હરિને!

પોષે શોષ પડ્યા અમને!

જીવણજી શું નમીએ તમને,

દિલાસા શાને દીધા અમને,

ઓધવજી! ના રે ઘટે હરિને!

માહે તો માઝમની રાતે,

ફૂલડાં વેરંતી વાટે,

વાલો મારો યમુનાને ઘાટે,

ઓધવજી! ના રે ઘટે હરિને!

ફાગણ ફેરા ફરું હોળી,

પેર્યાં હરિ! ચણિયા ને ચોળી,

કેસર બહુ છાંટ્યાં છે ઘોળી,

ઓધવજી! ના રે ઘટે હરિને!

ચઈતરે ચિત્ત કરે ચાળા,

આવો હરિ મોરલીવાળા,

દરશન દિયોને દયાળા,

ઓધવજી! ના રે ઘટે હરિને!

વઈશાખે વાયા વાવલિયા,

ઘરે પધારો નાવલિયા,

દૂધડે ધોઉં તારા પાવલિયા,

ઓધવજી! ના રે ઘટે હરિને!

જેઠ જદુપતિ આવ્યા,

જેમ તેમ સંદેશો લાવ્યા,

વાલો મારો મેલી ગયો માયા,

ઓધવજી! ના રે ઘટે હરિને!

અખ્ખાડે અબળા થઈ ઝાંખી,

વા’લે મારે ભરજોબન રાખી,

વિચારે તો વાત છે વાંકી,

ઓધવજી! ના રે ઘટે હરિને!

સરાવણ સરવરિયો વરસે,

નદીમાં નીર ઘણાં ભરશે,

વા’લો મારો કેમ ઊતરશે,

ઓધવજી! ના રે ઘટે હરિને!

ભાદરવો ભરિયેલો ગાજે,

મધુરીશી મોરલી વાજે,

વાલા તને બાંધેલો સાજે,

ઓધવજી! ના રે ઘટે હરિને!

અસવાન માથે દિવાલડી,

સેવ વણું તો સુંવાળી,

પ્રભુ વિના કેમ નમે નારી,

ઓધવજી! ના રે ઘટે હરિને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 339)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957