widurjini bhaji - Lokgeeto | RekhtaGujarati

વિદુરજીની ભાજી

widurjini bhaji

વિદુરજીની ભાજી

વિદુરના ઘરે કૃષ્ણ પધાર્યા, ભક્તિ તણાં મન ભાળ્યાં,

દુર્યોધનને રીસું ચડિયું, પ્રભુ મારે મંદિર કેમ ના’વ્યા?

વિદુરજી વસાણે વસિયા જ્યાં વસિયા ત્યાં જડિયા,

શે’ર ચોટા ફરી વળિયા, રાય છેવટ પાછા વળીઆ.

વિદુરની નારી વાટું જોવે, હમણાં લાવે સ્વામિ અન્ન,

નવી નવી ભાતની રસોઈ બનાવું, જમાડું મિષ્ટાન.

નારીએ નરને આવતા દેખ્યા, હૈડે પડ્યા નિશ્વાસ,

કૃષ્ણજી સરખા પરોણલા, મારે સોજે આનંદ ઉલ્લાસ.

અભાગિયા સમે અવતર્યા, ને રામની ફરી દુવાઈ,

ઉછીપાછીના કોઈ નો આપ્યાં, ભાઈએ કે ભોજાઈ.

ખોળો વાળી ખેતરમાં પેઠા, લેવા તાંદળિયાની ભાજી,

ગુવાર સરખો ગુવારિયો, મેં તો મૂલો સમૂળો લીધો.

ભાજી લઈને વિનતાને આપી, મનમાં કારણ જાણી,

ભારજાએ ભાજી વઘારી, ત્યાર કૃષ્ણજી બોલ્યા વાણી.

મોળસે ગોપીમાં નો’તા જમિયા, નવલી વાની ક્યાંથી આણી?

દુર્યોધન મુખ બોલીઓ, તું સાંભળ વિદુરની રાણી.

પ્રભાતે શંભુ ન્હા’વાને બેઠા, કુંડી કીધી કાણી,

પાતાળમાંથી ગંગા પધાર્યાં, આવ્યાં નવલાં પાણી.

સામે શંભુ નાઈને ઉઠ્યા, પીતાંબર મુગટા પેર્યા,

શંભુ લોટા જળે ભર્યા, ને આવી જમવા બેઠા.

બળે બીજોરાં જોડે મેલ્યાં, ભગવાન લાવ્યા ભાજી,

પાક પહેલાં શાક પીરસ્યાં, ભગતની ગતિ લાજી.

બધા સાધુડે અન્ન માગ્યું, નિશાનું ત્યાં જોયેં,

વેળાને કારણે મેં તો, સરપ રાખ્યો પાંસે.

ફાંસી નાખું ડોકમાં, ને કાઢી નાખું પ્રાણ,

શામળિયે તો સામું ના જોયું, મારે વેળા ક્યાંથી આવી?

શામળિયે ત્યાં સામું જોયું, ભગત રોતા ભાળી,

પેલું પતરાળું પોતે ઉપાડી, કે’ ભાભી, સેવ રંધાણી સારી.

મોતૈયા લાડુ, સવૈયા લાડુ, પકવાનનો નઈં પાર,

ગળી જલેબીનાં ગૂંચળાં, પ્રભુ જમો તો લાવું કંસાર.

ભાત ઓર્યાં કમોદિયા, માંહી ચણાની દાળ,

તાતી તાવણનાં ઘી ઘણાં, ત્યાં પીરસે વિદુરજીની રાણી.

આદુ ગરમરનાં આથણાં, વળી, બીરલાં ને બીજોરાં,

કાચી કેરીનાં આથણાં, પ્રભુ જમો તો લાવું ઝાઝાં.

ભગવાને તો વખાણ કરીને, ભાજી વીણી ખાધી,

વિદુરજીની ભાજી ગાશું, ભગવાને જે વખાણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 234)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968