ruDa ramni garbi - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રુડા રામની ગરબી

ruDa ramni garbi

રુડા રામની ગરબી

ઓતરાખંડમાં અજોધા ગામ છે રે

તિયાં રાજા દશરથનાં રાજ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

રાજા દશરથને બબ્બે રાણીઉં રે

એના કેંગે ને કવશલ્યા નામ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

રાણી કેંગેને જલમ્યા બે બેટડા રે

માતા કવશલ્યા જલમ્યા મોટા ભૂપ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

એનાં ભરત શત્રુઘન નામ પાડિયાં રે

રુડા રામ લક્ષ્મણની જોડ્ય હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

રાજા દશરથનો અંગૂઠો પાકિયો રે

એના અંગૂઠામાં ઊપડેલ આગ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

માતા કવશલ્યાએ અંગુઠો મુખે ધર્યો રે

અંગુઠો ફૂટ્યો છે અધમધ રાત હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

માતા કવશલ્યા કરવા ગ્યાં કોગળા રે

રાણી કેગે આવીને બેઠા પાસ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

રાજા દશરથ ઝબકીને જાગિયા રે

રાણી માગો માગોને વરદાન હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

મારા ભરત શત્રુઘન રાજ ભોગવે રે

રુડા રામ લક્ષ્મણ વનવાસ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

રાજા દશરથનાં મોઢડાં પડી ગિયાં રે

રાણી શું માગ્યાં વરદાન હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

માગો માગો હાથીદાંત ચૂડલા રે

આપું આપું ગુજરિયુંની જોડ હો!

ગરબી ગાઈએ તે રુડા રામની રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018