mahimanthan - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહીમંથન

mahimanthan

મહીમંથન

નંદજીને ઘેરે નવલખ દૂઝે

વલોણાંની વેણ્યું વાજે રે લોલ.

માતા જશોદા તમારા કાનને

મહીડાં વલોવવા મેલો રે લોલ.

અમારા કાન તો પારણિયે પોઢયા,

મહીડાંની વાત શું જાણે રે લોલ.

સાત સમદરિયાની ગેાળી રે કીધી,

મેરુનો કીધો રવૈયો રે લોલ.

નવકુળ નાગનાં નેતરાં રે કીધાં,

માંકડી કીધી ચંદરની રે લોલ.

એક કોર કાળા કાનજી ઘુમાવે

એક કોર રાધા ગોરી રે લેાલ.

હાથે છે કાંકણી ને વેઢ ઝબુકે, વા'લો

લટકે નેતરાં તાણે રે લોલ.

હળવા હળવા તાણો છબીલા;

નંદવાશે મહીડાંની ગોળી રે લોલ. *

નંદવાશે ગોળીને ઊડશે છાંટા,

નવરંગ ચુંદડી ભીંજાશે રે લોલ.

સોળસેં ગોપીયું ટોળે વાળીને,

કાનને મનાવવાને ચાલી રે લોલ.

કાન રે કાન, મારા ભરવાડુ ભાણેજ,

આવડલી મત કોણે દીધી રે લોલ.

મનની કીધી ને કાન મદિર પધાર્યા,

ગોપીયું મહાસુખ પામી રે લોલ.

એટલું કીધું ને કાન રિસાઈ ચાલ્યા,

જઈ વનરાવન વસિયા રે લોલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 253)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981