kanji ma’rajni kanban - Lokgeeto | RekhtaGujarati

કાનજી મા’રાજની કણબણ

kanji ma’rajni kanban

કાનજી મા’રાજની કણબણ

[ફરતાં ફરતાં ગવાતો-ત્રણ તાળીનો રાસડો]

એક કણબણ બાળકુંવારી, ધોળા વસ્તર પેરે બાઈ.

કાનજી મા’રાજે હઠ લીધી, ઈ’કણબણ્ય પરણાવો ભાઈ.

તમારે કા’ના, સોળસેં ગોપી, કણબણ્યને શું કરશો ભાઈ?

સોળસેં ગોપી પાણી ભરસ્યે, કણબણ્ય ઘરની રાણી બાઈ.

અઢી ગજનું કાપડું શીવડાવ્યું, સાત હાથનો ઘાઘરો રે બાઈ.

તોય ચડાવો જોશે બાઈ, પેટી પડખાં જોશે બાઈ.

સોળ હાથની સાડી પે’રાવી, તાણી તૂસી પૂગી બાઈ.

ડાબી કોર્યનો કરો પડાવ્યો, કણબણ્ય ઘરમાં લાવ્યા બાઈ.

હરાફરાની ઘેંશ ભરડી, છો ગોળીની છાશ્યું બાઈ.

સોળસેં ગોપી જમવા બેઠી, સનમનિયાં કરી ઊઠી બાઈ.

કણબેણ્ય રાણી જમવા બેઠાં, આહરડીને ઊઠ્યાં બાઈ.

સવા મણનું દાતરડું, ને અઢી મણનો હાથો બાઈ.

કણબણ્ય રુણી કડબ વાઢે, વીઘે પૂળો વાળે બાઈ.

ભારબંધો ભારો બાંધ્યો, એક હાથે ચડાવ્યો બાઈ.

ઘેર આવીને હેઠે નાખ્યો, બાર ગોધા ધરાણા બાઈ.

કોળીમાં કાતળિયું લાવી, ગામનામ છોકરા સમજાવ્યાં બાઈ.

પેટીમાં પાંચીકા લાવી, ગામનો ગઢ ચણાવ્યો બાઈ.

(કંઠસ્થઃ શાબાબહેન પરમાર, ભાવનગર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી