satyama garwkhanDan - Lokgeeto | RekhtaGujarati

સત્યામા ગર્વખંડન

satyama garwkhanDan

સત્યામા ગર્વખંડન

(રાગ મારુ)

એક સમે નારદજી આવ્યા, સત્યભામાને ઘેર,

આસન આપી પૂજન કીધું, વિનય કરી બહુ પેર.— 1

પછે કૃષ્ણપત્નીએ પ્રશ્ન પૂછ્યું, દેવઋષિને તાંહે,

‘માહારે જનમોજનમ થાય શ્રીકૃષ્ણ સ્વામી’—એ મનોરથ મનમાંહે—2

એવું સાધન કાંઈ કહો મુનિ! મુજને, જપ તપ વ્રત ને દાન:

તે યથાવિધિએ કરીને આચરું, પામું વર ભગવાન.”—3

એવું પ્રશ્ન સુણીને નારદ હસિયા, વિચાર કરતા મન,

‘જુવો, કૃષ્ણને પામીને જન્મ ઇચ્છે છે!, છે અજ્ઞાની સ્ત્રીજન.— 4

અહો હરિ-માયા બળવાન, જુવો, નથી જાણતી કૃષ્ણ-મહિમાય,

સદા હરિ-સંગ રહે, પણ અંતર-અનુભવ લેશ થાય.—5

જેમ દાદુર કમલની પાસ રહે, નવ સુગંધ જાણે લેશ,

એમ હરિ સંગ છે અહર્નિરશ, પણ ઓળખ્યા નહિ પરમેશ!— 6

સ્વાધીનપતિકાને રૂપ યૌવનથી, ગર્વ થયો છે મન,

‘હું ઘણી પ્રિય છું સ્વામીને, વળી માહારે વશ ભગવાન.— 7

માટે કાંઈ એક કૌતક કરીને, એનું ઊતારું અભિમાન,’

પછે સત્યભામાની સાથે, બોલ્યા નારદમુનિ ભગવાન.— 8

“અરે બાઈ! કહ્યું ધર્મશાસ્ત્રમાં, નિશ્ચે વચન વળી વેદ,

‘જેહેવું આપિયે તેહેવું પામિયે, સુણજો કહું તે ભેદ— 9

માટે કૃષ્ણનું દાન કરો તો પામો કૃષ્ણને અન્ય અવતાર,”

એવાં વચન સુણી સત્યભામાએ તેડાવ્યા જગદાધાર.— 10

હરિને આસન પર બેસાડી, પહેરાવ્યા શણગાર,

પછે દાસી સાથે વચન બોલ્યાં સત્યભામા તેણી વાર.— 11

“તેડી લાવ કો વિપ્રને, માહારે કરવું કૃષ્ણનું દાન,

આજ રૂડો દિન છે, યોગ પુષ્યારક, અવર નથી સમાન.”— 12

દાસી દ્વારિકા નગરમાં ફરતી, વિપ્ર શું બોલે વાણ,

“મુજ રાણી કૃષ્ણનું દાન કરે છે, લેવા ચાલો સુજાણ.”— 13

ત્યારે બ્રાહ્મણ સરવે હસવા લાગ્યા, સુણી કૃષ્ણનું દાન,

“અરે ઘૅલી થઈ છે રાણી તાહારી, ગર્વ ધરે અજ્ઞાન!— 14

જે સકલ કર્મના ફલદાતા પ્રભુ, ઈશ્વર કેરા ઈશ,

જે સર્વદેવ-વરદાયક તેના વરદાતા જગદીશ!”.— 15

વળી કોઈ એક બ્રાહ્મણ હસીને બોલ્યો, “એ અનાચારી ગોવાળ,

અમો આચારી શું કરિયે એહને? ભ્રષ્ટ થઈયે તત્કાલ”— 16

વળી બીજો કહે, “એ ચોર, જાર છે, કપટી નંદકુમાર,

અમો ગૃહસ્થાના ઘરમાં નવ જોઈએ, નવ રહે કુલાચાર”.— 17

ત્યારે ત્રીજો કહે, એને વસ્ત્રાભૂષણ જોઈએ નાના ભાત,

તે ક્યાં થકી લાવીને આપું એને? અમો ભિક્ષુક વિખ્યાત!”.— 18

ત્યારે ચોથો કહે, “ભાઈ! અનેક જન્મની, તપસિદ્ધિ હોય જ્યારે,

જન્મ મરણનો અંત આવ્યો હોય, કૃષ્ણપ્રાપ્તિ થાય ત્યારે”.— 19

ત્યારે પાંચમો કહે, “ભાઈ! પંચ વિષયથી મુક્ત હોય ગત-માન,

કૃષ્ણાકાર-વૃત્તિ થાય જેહેની, તે લે કૃષ્ણનું દાન”.— 20

એમ સરવે વિપ્ર ના કહી, તવ આવી દાસી ભામાની પાસ,

“બાઈ! બ્રાહ્મણ તો કોઈ નથી આવતો, સરવે કરે છે હાસ!” 21

ત્યારે સત્યભામા કહે, “નારદજી તમો મુનિવર છો પાવન,

માટે કૃષ્ણનું દાન આપું તમને, લ્યો પ્રસન્ન થઇને મન.”—22

પછે કરમાંહે જલ લીધું રાણીએ, સંકલ્પ મુનિએ કીધો,

કૃષ્ણનો કર ગ્રહી સત્યભામાએ, નારદ-કરમાં દીધો!.—23

કૃષ્ણનો કર ગ્રહી, નારદ ઉઠ્યા, લેઈને અલૌકિક દાન,

હરિના હસ્તમાં વીણા ઝલાવી, ચાલ્યા મુનિ ભગવાન.—24

ત્યારે સોળ સહસ્રને જાણ થયું, તેમણે આવી રોક્યો પંથ,

“અરે નારદ! શું ઘેલા થયા? ક્યાં લેઈ જાઓ છો અમ કંથ?”—25

એક રુક્મિણી વિણ, સહુ આવી મળીયું વનિતા કેરું વૃંદ.

સહુ ગોવિંદને ઘેરી ઊભી, જેમ તારા-વેષ્ટિત ચંદ.—26

“નથી એકલીના સ્વામી, અમો સર્વતણા નાથ!”

આવ્યાં વસુદેવ દેવકી ઉગ્રસેન, સહુ જાદવ કેરો સાથ.—27

પછે સર્વે મળી શાસ્ત્રાર્થ કીધો, નિશ્ચે એક વિચાર,

“એ કૃષ્ણ-બરાબર કનક આપવું નારદને નિરધાર.”—28

તુલા લાવી ત્યાં બાંધી તત્ક્ષણ, મળિયો સરવે સાથ,

એક તુલામાં કંચન મુક્યું, બીજી પાસ જદુનાથ.—29

નિજ નિજ ભુવન થકી સહુ લાવી, રાણીઓ કનક અપાર,

તોય નવ થૈ ઊંચી તુલા ત્રિકમની, રહી છે પૃથ્વી-મોઝાર.—30

વળી રાજદ્વારનું કંચન સરવે, લાવી ધરિયું ઓઘ,

તલ માત્ર તુલ નવ ઊંચી થઈ, હરિ અદ્ભુત વીર્ય અમોઘા!.—31

ત્યારે સહુના મનમાં ચિંતા થઈ છે આશ્ચર્ય અપરંપાર,

એટલે સર્વે રાણીઓ મળીને આવી રુક્મિણી કેરે દ્વાર.—32

‘અરે બાઈ! શું બેશી રહ્યાં છો? સંકટ મોટું આજ,

હરિનું દાન સતભામાએ આપ્યું, કીધું વિપરીત કાજ!.—33

તે બદલે ઠરાવ્યું, કનક આપવું, નારદને નિરધાર,

પછી સરવના ઘરનું સાત કુંભ, તે લાવી મૂક્યું અપાર.—34

તોય ચામીકર ચિદ્દરુપ બરાબર, થયું તુલા-મોઝાર,

માટે અમો સર્વ તમ પાસે આવ્યાં, તેડવાને નિરાધાર.’—35

એવાં વચન સુણી, હશી ઊઠ્યાં ઇંદિરા, સત્વર આવ્યાં તત્ર,

તુલસીતણી પ્રદક્ષિણા કરીને, લીધું કરે એક પત્ર.—36

પછે પદ્મા પાયે ચાલી આવ્યાં તુલા બાંધી જે ઠાર,

નારદ સાથે વચન બોલ્યાં, હશીને ભીમક-કુમાર.—37

“અરે નારદ! કંચન ભરવા તમારાં, લાવો લાવો શકટ આજ,

તમો જન્મ ધરી આજે દાન લીધું, સરિયાં સરવે કાજ!”—38

પછે કાઢી નખાવ્યું કંચન સરવે, તુલા માંહેથી ત્યાંહે,

રુક્મિણીએ એક તુલસીતણું દલ, મુક્યું તુલાની માંહે.—39

ત્યારે તુલસીપત્રની તુલા નમી, થયા અચ્યુત ઊંચા આપ!

ત્યાં રુક્મિણી કેરો મહિમા સરવે, દીઠો અધિક પ્રતાપ.—40

અભિમાન ઊતર્યું સત્યભામાનું, લજ્જા પામી અપાર,

દેવે પુષ્પની વૃષ્ટિ કરી, ને વરત્યો જાય જયકાર.—41

(વલણ)

વરત્યો જય જયકાર, આનંદ વાધ્યો અતિ ઘણો,

સહુ વિખાણ કરતા અપાર, મહિમા જે રુક્મિણી તણો.—42

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, બાલા મજમુદાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966