kanji war walawo - Lokgeeto | RekhtaGujarati

કાનજી વર વળાવો

kanji war walawo

કાનજી વર વળાવો

સરખી સયરું પાણીડાં જ્યાં’તાં.

જ્યાં’તાં જમુનાને આરે, હો રામ.

કાંઠે તે ઊભા કાનજી-નાનજી.

મારે કાકરિયુંના માર, હો રામ.

સરખી સયરુંના અવળા શે બોલ,

આવો ચ્યાંથી નખરાળો, હો રામ.

ઘડુલો ફૂટ્યો ને રાધાજી રૂઠ્યાં,

જઈ કરશું માતાજીને રાવ, હો રામ.

ઘડુલા ફોડ્યા, ને પાણીડાં ઢોળ્યાં,

ઉંઢાણી વળગાડી આંબા ડાળ, હો રામ.

ઘરે આઈને ઢોલિયા ઢાળ્યા,

ઓઢી સાળુડાની સોડ, હો રામ.

માતાજી આયાં ને પૂસવા લાજ્યાં,

ચમ રે બેની, ઢોલિડા ઢાળ્યાં, હો રામ

સરખી સયરું પાણીડાં જ્યાં’તાં,

જ્યાંતાં જમુનાને આરે, હો રામ.

કાંઠે તે ઊભા કાનજી વા’લો,

મારે કાંકરિયુંના માર, હો રામ.

એવાં તે દીચરી, શ્યા રિસામણાં,

તો મથુરા કેરા ઘનશ્યામ, હો રામ.

સોડો રિસામણાં, ઊઠો હો દીચરી

કરોને સઘળાં કામ, હો રામ.

સોડું રિસામણાં, માતા, ઊઠું એક વાતે,

મને કાનજી વર વળાવો, હો રામ.

ફોડ્યા ઘડુલાની દાઝ્યું રે ઓલવું,

પાણીડાં ભરાવું જમનાને આરે, હો રામ.

સરખી સયરું પાણીડાં જ્યાં’તાં,

જ્યાં’તાં જમનાને આરે, હો રામ.

રસપ્રદ તથ્યો

આ ગીત કુંવાર ગામની બહેનો પાસેથી સાંભળેલું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968