chandraweni - Lokgeeto | RekhtaGujarati

ચંદરાવેણી

chandraweni

ચંદરાવેણી

સોનલ ઈંઢોણી બાયનું રૂપલિયાનું બેડું,

પાણી ભરે રે ચંદરાવેણી.

પાણીલાં ભરતાં ઓલે કાનુડે દીઠી,

ઝાલ્યો રે ચંદરાવેણીનો છેડલો.

છેડલો વછુટ્યો ને ચંદરાવેણી ભાગી,

કાનુડાને મોઢે કાળી મશ ઢળી.

માતા જશોદા, મારા પેટડિયામાં દુઃખે,

વૈદાણી ઓલી ચંદરાવેણી.

ઘુઘરિયારો ઘાઘરો, ને બાવન બાગની ઘાટડી,

કારી લાયનું પેર્યું કાને કાપડું.

બાય રે પાણિયારી, મારી બેની રે પાણિયારી,

દેખાડો ચંદરાવેણીના ઓરડા.

સાંકરિયારી શેરી ને ઘુઘરિયારા ઝાંપા,

ઉગમણા ચંદરાવેણીના ઓરડા.

બાય રે પાડોશણ, મારી બેની રે પાડોશણ,

કીયા રે ચંદરાવેણીના ઓરડા?

સોનલાની ગોરી ને રૂપલિયાતી રવાય,

મૈડાં વલોવે ચંદરાવેણી,

બાય રે ચંદરાવેણી, બેની રે ચંદરાવેણી,

તમ ઘેર બેની મેમાન આવીયાં.

નથી રે કાકાની દીકરી, નથી રે મામાની,

નથી રે દાદાની દીકરી મા-જણી.

હશે રે કાકાની દીકરી, હશે રે મામાની

હશે રે દાદાની દીકરી મા-જણી.

અમે બેની ગોરાં ને તમે શીદ શામરાં?

મેં રે જાણી મારી મા-જણી.

તમારી વેરાયેં માયેં દુધ સાકર પીધાં;

અમ વેરા આવ્યાં કારાં કરમદાં.

બતરીશ ભાતનાં બેનીયેં ભોજનિયાં રાધ્યાં;

તેતરીશ જાતનાં શાક કર્યાં.

હાલો મારી બેની, જમવાને બેસો;

હરખેં જમાડું મારી મા-જણી.

રે ભોજનિયાં તારો પરણ્યો જમશે;

આપણે જમશું બે મા-જણી.

ઢોલિયા ઢાર્યાં ને ઓછાડ ઓછાડ્યા,

સેજ પોઢોને મારી મા-જણી.

રે પોઢણિયે તારો પરણ્યો પોઢશે;

આપણે પોઢશું બે બેનડી,

કાઢી કટારી, કાને ભાંગી સોપારી;

ભોંઠી પડી રે ચંદરાવેણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968