lal galela - Lokgeeto | RekhtaGujarati

લાલ ગલેલા

lal galela

લાલ ગલેલા

ઊંચલા તે ડેરા તાણ્યા લાલ ગલેલા,

તેરા મેરા કાયકુ લાય મેં રમિયા!

એટલું મળે તો મારા મો’લે પધારજો,

નકર ના ચડશો ઓહરિયુંની ઝેર, મેં રમિયા!

કડી શે’ર જાજે રે, કાંબિયું રે લાવજો,

કાંબિયુંએ ઘુઘરિયું મેલાવ્ય રે, મેં રમિયા!

એટલું મળે તો મારા મો’લે પધારજો,

નકર ઓનાળા બા’ર ગાળો, મેં રમિયા!

ઊંચલા તે ડેરા તાણ્યા લાલ ગલેલા,

તેરા મેરા કાયકું લાય, મેં રમિયા!

હાલાર શે’ર જાજો રે, હાથીડા રે લાવજો,

અંબાડીએ રતન જડાવ્ય રે, મેં રમિયા!

એટલું મળે તો મારા મો’લે પધારજો,

નકર શિયાળા બા’ર ગાળો, મેં રમિયા!

ઊંચલા તે ડેરા તાણ્યાં લાલ ગલેલા,

તેરા મેરા કાયકું લાય, મેં રમિયા!

સુરત શે’ર જાજો રે, ચુંદડી રે લાવજો,

પોલકે રતન જડાવ્ય રે, મેં રમિયા!

એટલું મળે તો મારા મો’લે પધારજો,

નકર ચોમાસાં બા’ર ગાળો, મેં રમિયા!

ઊંચલા તે ડેરા તાણ્યાં લાલ ગલેલા,

તેરા મેરા કાયકું લાય, મેં રમિયા!

ઘોઘા શે’ર જાજો રે, ઘોડલા રે લાવજો,

પેગડે રતન જડાવ્ય રે, મેં રમિયા!

એટલું મલે તો મારે મો’લ પધારજો,

નકર બારે મઈના બા’ર ગાળો, મેં રમિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968