hal joDi halero - Lokgeeto | RekhtaGujarati

હળ જોડી હળેરો

hal joDi halero

હળ જોડી હળેરો

હળ જોડી હળેરો આવ્યો,

નાડી ને જોતર છીંતિયે મેલ્યા!

ટાઢનો ઠરિયો ને ચૂલામાં પડિયો,

આપણ ચૂલામાં વીંછણ વિંયાણી!

પડોશીના ચૂલે જાવ રે ઠાકોરિયાં,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

પડોશણના છોકરે રોક્યો,

આપણ ચૂલાના હોંશી,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

તમને તમારા બાંધવ બોલાવે,

ઘોડલા ખેલવવા આવ રે,

ગોરાંદે, દલ ઘેલં દાઝ્યું!

ઘોડલા ખેલવશે અમારા બાંધવ,

અમે ખોરડિયાના હોંશી,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

તમને તમારા ગોઠિયાં બોલાવે,

દડેગેડીએ રમવા આવે રે,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

દડેગેડીએ રમશે અમારા ગોઠિયા,

અમે ઓરડિયાના વાસી,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

તમને તમારા દાદા બોલાવે,

ચોપાટે રમવા બેસે,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

ચોપાટે બેસશે અમારા દાદા,

અમે ઓરડિયાના વાસી,

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

પાણિયારેથી બેડલાં લીધાં,

ખીંટીએથી એંઢોણી લીધી,

કમાડેથી ગરણું લીધું,

પપડતી પાણી હાલી, ઠાકોરિયાં;

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

ચૂલામાંથી દલ ઘેલું કાઢ્યું,

કોઠામાંથી ગાડવો કાઢ્યો,

શીંકેથી માટલી ઉતારી,

ચોળી મચોડીને ખાધું,

ઠાકોરિયાં, દલ ઘેલું દાઝ્યું!

પાણી ભરી પાણિયારી આવી,

આજે ખાધું ને કાલ શું ખાશો?

પરમ દા’ડે જોગી થાશો!

ગોરાંદે, દલ ઘેલું દાઝ્યું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 299)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957