gurjari - Lokgeeto | RekhtaGujarati

ગુર્જરી

gurjari

ગુર્જરી

રે ગુજરાન પરભાતે ઉઠ્યાને એનેયોર રે,

પૂણ ધેન વાસરુ દોયાંરે, હોજી ને, ગુજરી.

ગુજરાન નંદા રે ગુજો’રની તું લકડી હઠીલા ઘેરે,

પરણાં હોજીને, ગુજરી.

રે ગુજરાન લપાટીઝપાટીને માથાં ગૂંથે રે,

પૂણ માથે રે મેંદલી રાખે, રે હોજીને ગુજરી.

રે ગુજરાન માથામાં રાખેસે ઝીણી મેંદલી,

પૂણ લેલાડ ટીલડો રાખે, રે હોજીને ગુજરી.

રે ગુજરાન લેલડ્યાં ઝીણો ટીલડો રાખે રે,

પૂણ નાક્યાંમાં નાથડી રાખે, રે હોજીને ગુજરી.

રે ગુજરાન નાક્યમાં રાખેસે ઝીણી નાથડી,

પૂણ ગળામાં દોરડો રાખે, રે હોજીને ગુજરી.

રે ગુજરાન ગળામાં રાખેસે ઝીણો દોરડો,

પૂણ બાયાં સુડીલો રાખે , રે હોજીને ગુજરી.

રે ગુજરાન ધાયાંમાં કાપેડી ઝીણી પેરે રે,

પૂણ ઓડવાને દખણી સીરસે, હોજીને ગુજરી.

રે ગુજરાન ઓડવા દખણીના વાલાં સીર રે,

પૂણ કેડ્યાં નેવરી રાખેસે, હોજીને ગુજરી.

રે ગુજરાન કેડ્યાંમાં રાખેસે ઝીણી નેવરી,

પૂણ પોગ્યાં ઝાંઝર પેરેસે હોજીને ગુજરી.

રે ગુજરાન સબેરે સણગાર સબે પેર્યો,

ને રાણી મહીને વેસણ સાલ્યાં, હોજીને ગુજરી.

રે ગુજરાન સોનાની સુમેળી રૂપાં બેડલાં,

રાણી મહીને વેસણ સાલ્યાં, હોજીને ગુજરી.

રે ગુજરાન સોનાની તાકેડી રૂપા દોરે રે,

પૂણ હોનાના તોલા લીધાં રે હોજીને ગુજરી.

રે ગુજરાન માથે રે ભરેલાં મહીનાં માટ રે,

રાણી મહીને વેસણ સાલ્યાં રે, હોજીને ગુજરી.

રે ગુજરાન સાસુડી વરજીણીયાને વરજે રે,

વહુ દલીમાં મથી જાજો રે હોજીને ગુજરી.

રે ગુજરાન ગડાળના ઘાટામાં ઊભો સે ભોળો કાન રે,

કાન ધોળી ધેનુ સારે, હોજીને ગુજરી,

રે વઉવડ લેહેરે મારેગ મહીના દાણ રે,

તને જદીને જાવા દેહે, રે હોજીને ગુજરી.

રે ગુજરાન આયજી સબેરે દેસલડા મેં તે જોયા રે,

મને દલી જોયાની ખાંતસે, હોજીને ગુજરી.

રે આયજી સબેરે દેશમાં મેં તો જોયા રે,

મેં દાણ નથી આલ્યા હોજીને ગુજરી.

રે ગુજરાન સાસુના કીદેલાં વહુને માન્યાં,

મહીને વેસવા સાલ્યાં રે, હોજીને ગુજરી.

રે ગુજરાન ઠમકે સાલે ગુજરી નાર રે,

આણી યોગને પાછળ વાગેરે, હોજીને ગુજરી.

રે ગુજરાન વનખંડની ઉજાડે ભોળો કાન રે,

ધોળી ધેને સારે રે, હોજીને ગુજરી.

રે ગુજરાન આવતાં દેખ્યાં ગુજરી નાર રે,

કાનો વાટ ઓડી ઊભો રે, હોજીને ગુજરી.

રે ગુજરાન લાવજે મારગ મહીના દાણ રે,

તું દાણ સુકાવી જાજેરે, હોજીને ગુજરી.

રે ગુજરાન આણી રે વાટડિયે નવે લાખ રે,

મેં તને નવલો દાણી જોયો રે, હોજીને ગુજરી.

રે ગુજરાન રેવાં રે ગુગળ મથુરા ગામ રે,

હું જૂનાગઢનો દાણી, રે હોજીને ગુજરી.

રે ગુજરાન સવા રે લાખેનું મારું દાણરે,

તુ દાણ સુકાવી જાજે રે, હોજીને ગુજરી.

રે ગુજરાન કાના જાતાંનો જનમારો મારો ગયો રે,

મેં દાણ નથી અલ્યાં રે, હોજીને ગુજરી.

રે ગુજરાન લેહું રે મારગ મહીનાં દાણ રે,

તને જદીને જાવા દહુ રે, હોજીને ગુજરી.

રે કાના આસારે પાલવના લીલા ઝાડ, રે,

એણે કાનરે રેડ માડી, રે હોજીને ગુજરી.

રે કાના નથી રે સાંદી નથી સોનું રે,

તને હેના દાણ આલું રે, હોજીને ગુજરી.

રે કાના તોડજે કેસરિયા વડના પાન રે,

તને દુધ મઈ પાઉંરે, હોજીને ગુજરી.

રે ગુજરાન ખાટાં રે લાગે તારાં દહી,

મન માખણ મોળાં લાગેરે, હોજીને ગુજરી.

રે ગુજરાન લાવજે મારગ મહીના દાણ રે,

તું દાણ સુકાડી જાજે રે હોજીને ગુજરી.

રે કાના દૂધ વકાવું રે દલીને હાટ રે,

તને વળતાં આલુ દાણ રે હોજીને ગુજરી.

રે કાના રીસના જજળુ ભોળા કાન રે,

કાન જમડીને લાયા લુમ્યારે હોજીને ગુજરી.

રે કાના દલીમાં વકાવું મહીના માટ રે,

તને વળતાં દાણ આલુરે હોજીને ગુજરી.

રે કાના ઘેરેરે રોવેસે રાદલ બાળ રે,

મારો પલો છોડી દેજો રે હોજીને ગુજરી.

રે ગુજરાન આલેસે માથાવાળી મેંદલી,

કાનો માથુલાં દણગારે હોજીને ગુજરી.

રે ગુજરાન આલેસે નાક્યાં વાળી નાથડી,

કાનો માથુલાં દણગારે હોજીને ગુજરી.

રે ગુજરાન આલેસે ગળાંન વાળો દોરડો,

કાનો માથુલાં દણગારે, હોજીને ગુજરી.

રે ગુજરાન લાવજે મારગ મહીના દાણ રે,

તું દાણ સુકાવી જાજે રે હોજીને ગુજરી.

રે કાના ઘેરેને રોવેસે નાનાં બાલ,

મને ઘરે જાવા દેજે રે, હોજીને ગુજરી.

રે કાના દેખહે નગરીના વાલા લોક રે,

લોક કાન ગુજરી લુટેરે, હોજીને ગુજરી.

રે કાના માથામાં તું હાથ નથી ઝાલે રે,

મારાં બેડુલાં નંદવાહે રે, હોજીને ગુજરી.

રે ગુજરાન નંદે તો નાંદવાને દેજે રે,

તને નવલાં બેડાં ઓરું રે, હોજીને ગુજરી.

રે કાના બાયડંડામાં હાથ મથી ઝાલે રે,

મારા હાર મોતી તૂટે રે હોજીને ગુજરી.

રે ગુજરાન ટુંટે તો ટુટવાને દેજે રે,

તને નવલા હારે ઓરું રે હોજીને ગુજરી.

રે કાના સાલુડામાં તું હાથ નથી ઝાલે રે,

મારો સાલુડો નંદવાશે હોજીને ગુજરી.

રે ગુજરાન નંદે તે તો નંદવા દેજે રે,

તને નવલા સાલુ ઓરું રે હોજીને ગુજરી.

રે કાના સોડજે રે મારે ગડોને સેડો,

મને ઘેર જાવા દેજો રે હોજીને ગુજરી.

રે ગુજરાન ઘેર જાઈ સાસુડી પુસે વાત રે,

વહુ તને વાર કાં લાગી રે હોજીને ગુજરી.

રે આઈજી મળ્યા રે પીપરના વાલા લોક રે,

મને મળતાં વાર લાગી રે હોજીને ગુજરી.

રે ગુજરાન સસરો પુસે વાત રે વહુને,

વહુ બેડુલાં કાં ફોડ્યા રે હોજીને ગુજરી.

રે સાસરા સાકડી સેરી રે કાનાના રાજ રે.

તાં ગાયને ગોદો ઝુખ્યાં રે હોજીને ગુજરી.

રે ગુજરાન નણદલ પુસે રે ભાભીને વાત રે,

તારો સાલુડો કાં ફોડ્યો રે હોજીને ગુજરી.

રે નણદી જાજારે ઝરેણાં પાતળી વાટે રે,

તાં વાવલીયે સાલુ ફોડ્યો રે હોજીને ગુજરી.

રે ગુજરી દેવર્યું પૂસે રે ભાભીને વાત રે,

તમું ભૂખળાં કાં થયા રે હોજીને ગુજરી.

રે દેવર્યા આયા રે ઉનાળા રવલા ભૂત રે,

હું ભૂત કલરીમાં પડી રે હોજીને ગુજરી.

રે ગુજરાન પરણ્યું પુસે સે પરણીને વાત રે,

તમે કાજળ કા’ને રાખી રે, હોજીને ગુજરી.

રે પરણ્યા તપ્યાસે વૈશાખ ને જેઠ માંહ રે,

તોયે કાજળ રબીરે હોજીને ગુજરી.

રે ગુજરાન નંદા રે ગુજેરની લડકી,

તું સડ્યાને ઉત્તર આલે રે હોજીને ગુજરી.

રે ગુજરાન ઠગેરે ઠગારુ ગુજર નાર રે,

તું ઉત્તોરુની ભરેલી હોજીને ગુજરી.

રે ગુજરાન બારે રે ગોળાનો મહીનો માટ રે,

પૂણ વનાં વસ્તારે ઘોળી રે હોજીને ગુજરી.

રે ગુજરાન આયારે પોતાના સસરો રે,

વના વસ્તારા ઉભા રે હોજીને ગુજરી.

રે ગુજરાન સસરાની દેખી પીઠે મારી રે,

ગોળામાં ઠેકી પડ્યાં રે હોજીને ગુજરી.

રે ગુજરાન હથોલ મીડાં તે મારા ગામ રે,

હું ગુજેરીની લાકડી રે હોજીને ગુજરી.

ગુજરાન વાલા રે સસરાની મારી લાજ રે,

હું જમીનમાં ઊતરી જાઉં રે હોજીને ગુજરી.

રે ગુજરાન બારે રે ગોળાના માટ ફોડ્યા રે,

મહી ને ગુજરી નાઠા રે હોજીને ગુજરી.

રે ગુજરાન આખી રે નગરીના લોકો ઊલટ્યા રે,

સમદર બાંદી દીધા રે હોજીને ગુજરી.

રે ગુજરાન સરોવર પાળે ઈને ફોડી રે,

મહી ને ગુજરી નાઠા રે હોજીને ગુજરી.

રે ગુજરાન ભોયાવેર સાવણીમાં મંદર બાંધ્યાં રે,

મહી ને ગુજરી સાલ્યાં રે હોજીને ગુજરી.

રે ગુજરાન રાખોની ભાગોળે નાઠાં રે,

પૂણ પહાડ ફાટી નાખ્યા રે હોજીને ગુજરી.

રે ગુજરાન નાઠી રે મહીયરી ગુજરી નાર રે,

પૂણ સાગર ભેળાં હોય રે હોજીને ગુજરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957