randalanun geet - Lokgeeto | RekhtaGujarati

રાંદલનું ગીત

randalanun geet

રાંદલનું ગીત

તાંબા તે કેરાં તરભાણાં, કૃષ્ણજીએ આંબો રોપિયો રે,

આંબો દૂધડે સીંચાય, જેમ જેમ આવે ઝીણી કુંપળો રે.

જાજરિયા વડલાની હેઠ, સાસરવાસી બેન વીસમે રે,

રોઈ રોઈ ભર્યાં રે તળાવ, ડૂસકે ભર્યાં બે કોડિયાં રે.

તપી તપી રે માત તાપીની રેત, આદિત્યે રથ ખેડિયા રે,

રથે બેસીને પૂછે બે’નને વાત, કેમ રુએ સાસરવાસણી રે.

કે રે તારું મહિયર છે અતિ દૂર કે સાસરવાસ દોયલો રે,

નથી નથી મારું મહિયર દૂર, નથી સાસરવાસ દોયલો રે.

એક મારે શોક્યનું આળ, બીજું તે વંધ્યા મેણલું રે.

ટાળું ટાળું તારું સોક્યનું આળ, ઘેર બંધાશે તારે પારણું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959