nanio motio - Lokgeeto | RekhtaGujarati

નાનીઓ-મોટીઓ

nanio motio

નાનીઓ-મોટીઓ

હેલ્લે નાનીઓ મોટીઓ બંધેઓ ભાઈ ઝાલ્લા ઝુમાલ સે

વાડીએ સૂવાને જાય ઝાલ્લા ઝુમાલ સે

સૂતાં સૂતાં કરે વાત ઝાલ્લા ઝુમાલ સે

વાડીનાં સૂકાયાં ભાત ઝાલ્લા ઝુમાલ સે

સૂકાયાં સૂકાવા દો ઝાલ્લા ઝુમાલ સે

સૂપડાં બંધાવા દો ઝાલ્લા ઝુમાલ સે

સૂપડાં બાંધ્યાં સેરમાં ઝાલ્લા ઝુમાલ સે

પાણી ચાઈલાં કેળમાં ઝાલ્લા ઝુમાલ સે

કેળની કકડાવી લૂમ ઝાલ્લા ઝુમાલ સે

રખેવાળે પાડી બૂમ ઝાલ્લા ઝુમાલ સે

ભાંગ્યો શેરડીનો સાંઠો ઝાલ્લા ઝુમાલ સે

ત્યાં રખેવાળ નાઠો ઝાલ્લા ઝુમાલ સે

બૂમ પાડી જેમતેમ ઝાલ્લા ઝુમાલ સે

રખેવાળો નાહે કેમ ઝાલ્લા ઝુમાલ સે

નાનીઓ મોટીઓ બંધેઓ ભાઈ ઝાલ્લા ઝુમાલ સે

કૂવામાં ખલેડી હાઈ ઝાલ્લા ઝુમાલ સે

નાનીઓ કે’ કે ભૂંજી ખાઉં ઝાલ્લા ઝુમાલ સે

દરિયામાં તો લ્હેર લ્હેર ઝાલ્લા ઝુમાલ સે

પેટી આવે મ્હેર મહેર ઝાલ્લા ઝુમાલ સે

પેટીને કાંઠે કઢાઓ ઝાલ્લા ઝુમાલ સે

ગામના સિપાઈ બોલાવો ઝાલ્લા ઝુમાલ સે

પેટીનાં તાળાં તોડાવો ઝાલ્લા ઝુમાલ સે

પેટીમાં તો કાંઈ નહિ ઝાલ્લા ઝુમાલ સે

સિપાઈની તો પાઈ નહિ ઝાલ્લા ઝુમાલ સે

ઉપરની અબાવણી બીજા ઢાળમાં પણ સુંદર રીતે ગવાય છે. બે લીટી બોલાઈ રહે પછી સમૂહ આખો ‘હાં રે હાં ભાઈ!’ બોલે :

“નાનીઓ મોટીઓ બંધેઓ ભાઈ,

વાડીએ સૂવાને જાય,” “હાં રે હાં ભાઈ!”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957