gokulni gowalni - Lokgeeto | RekhtaGujarati

ગોકુળની ગોવાળણી

gokulni gowalni

ગોકુળની ગોવાળણી

ગોકુળની ગોવાળણી, મહી વેચવાને ચાલી રે,

વેચવાને ચાલી રે, માથે મટુકી ધારી રે;

ગોકુળની ગોવાળણી, મહી વેચવા ને ચાલી રે,

યમુનાને કાંઠે વાગે, કાના કેરી વાંસળી રે,

વાગે બંસરી રે, મીઠી મોરલી રે,

ગોકુળની ગોવાળણી, મહી વેચવાને ચાલી રે,

તમે શ્યામ સુંદર રખેવાળ, રોકી રહ્યા શીદ વાટડી રે?

રોકી રહ્યા મારી વાટડી રે, યમુના ઘાટની રે,

ગોકુળની ગોવાળણી, મહી વેચવાને ચાલી રે,

ગોરી, આલો મહીડાનાં દાણ, મથુરા જાઓ દઈને રે,

દાણ મને દઈને રે, રસલા’ણ લઈને રે;

ગોકુળની ગોવાળણી, મહી વેચવાને ચાલી રે.

તું છેટો છેટો રે કા’ના, છોડ દાણ કેરી વાતડી રે,

છોડ દાણ કેરી વાતડી રે, રસલા’ણની રે;

ગોકુળની ગોવાળણી, મહી વેચવાને ચાલી રે,

કા’ને ઝાલ્યો પાલવડો ત્યાં ઝબકી ગોરીને મટકી ઢળી રે,

મહીની મટકી ઢળી રે, ભીંજાઇ ગોવાળણી રે;

ગોકુળની ગોવાળણી મહી, વેચવાને ચાલી રે,

કુંવર નંદ કેરા લાલ, જઈને જશોદાને રાવ કરૂં રે;

જઈ જશોદાને રાવ કરૂં રે, પછી તું આવજે ફરી ઘેર રે;

ગોકુળની ગોવાળણી, મહી વેચવા ચાલી રે,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968