wanman wapat paDe - Lokgeeto | RekhtaGujarati

વનમાં વપત પડે

wanman wapat paDe

વનમાં વપત પડે

ઝાલર વાગે ને વાલો હરિરસ ગાય,

કાનો ગોપીનો છેડલો ઘરાય;

મેલો મેલો કાનજી, અમારાં ચીર,

હું તારી બેનડી ને તું મારો વીર.

કાયકી બેનડી ને કાયકો વીર?

તમે ગોપી ને અમે નિરમળ નીર.

એટલું ક્યું ને ગોપી રાવેં ગઈ,

જશોદાની પાસે ઉભી રે રઈ.

માતા જશોદા, તમારો કાન,

હાલતે મારગેં માગે છે દાણ.

જાવ જાવ ગોપીયું તમારે ઘેર,

કાનો આવે તો માંડું વઢવેડ.

સાંજ પડી ને ઘેર આવ્યો ગોવાળ,

માતા જશોદા પૂછે તે વાર.

કાના ગોવારિયા, તારી એવડી શી હેર,

નત્યના ઝઘડા આવે છે ઘેર.

માતા જશોદા તમારો પાડ,

સાંભળો કઉં હું એક વાત,

એક આવીને મારે પાયેં પડે,

બીજી આવીને મારાં ચરણ ધરે;

ત્રીજી આવીને મારી મોરલી હરે,

ચોથી આવીને મારી ચોટલી તાણે;

એટલી વપત મને વનમાં પડે,

તેની રે રાવ ગોપી તમને કરે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968