luntyo luntyo re - Lokgeeto | RekhtaGujarati

લૂંટ્યો લૂંટ્યો રે

luntyo luntyo re

લૂંટ્યો લૂંટ્યો રે

હું મહિયારણ રે, ગોકુળ ગામમાં રે’તી;

મથુરામાં રે, મહિ વેચવાને જાતી.

નંદનો લાલો રે, ઉભો મારગ રોકી;

ઉભી રે’ને રે, ગોરસવાળી ગોપી;

તારાં ગોરસ રે, મુજને મીઠાં લાગે.

નંદના લાલા રે, ચૂંદડી ક્યાંથી લાવ્યો?

તારા સાટુ રે, મેં વાણીડો લૂંટ્યો;

લૂંટ્યો લૂંટ્યો રે, જળ જમાનાને આરે.

નંદના લાલા રે, ઝૂમણાં ક્યાંથી લાવ્યો?

તારા સારુ રે, મેં સોનીડો લૂંટ્યો;

લૂંટ્યો લૂંટ્યો રે, સોનીડો મથુરાની વાટે.

નંદના લાલા રે, મોજડી ક્યાંથી લાવ્યો?

તારા સારુ રે, મેં મોચીડો લૂંટ્યો;

લૂંટ્યો લૂંટ્યો રે, વનરાવનની વાટે.

નંદના લાલા રે, ગુલાબ ક્યાંથી લાવ્યો?

તારા કાજે રે, મેં માળીડો લૂંટ્યો;

લૂંટ્યો લૂંટ્યો રે, જમનાજીને આરે.

ઉભી રે’ને રે, ગોરસવાળી ગોપી;

તારા ગોરસ રે, મુજને મીઠાં લાગે.

હું મહિયારણ રે, ગોકુળ ગામમાં રહેતી;

મથુરાંમાં રે, મહિ વેચવાને જાતી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968