chandrawal gopi - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચંદ્રાવળ ગોપી

chandrawal gopi

ચંદ્રાવળ ગોપી

[ફરતાં ફરતાં ગવાતો-ત્રણ તાળીનો રાસડો]

માથે મટુકીને મઈડાની ગોળી,

મઈડાં વેચે છે ચંદ્રાવળ રે,

વેચંતા સાટંતા પોળમાં પેઠાં,

કા’નુડો સામો ઘેરાઈ રીઓ રે.

મે’લો મે’લો બાળા કા’ન, છેડો અમારો,

અમ ઘેર સાસરોજી રી’સાળવાં રે.

તમારા સસરાને બીજી વઉ રે લવરાવું,

તમ પે લાજ ને ઘુંઘટ સામટાં રે.

મેલો મેલો બાળા કાન, છેડો અમારો,

અમ ઘેર સાસુજી રીસાળવાં રે.

તમારી સાસુને બીજી વવારું લવરાવું,

તમ પે કામે ને કાજે સાબદાં રે.

મેલો મેલો બાળા કાન, છેડો અમારો,

અમ ઘેર છોરુડાં રીસાળવા રે.

તમારા છોરુડાંને બીજી માતા લવરાવું,

તમ પે દહીંને દૂધે આગળાં રે.

મેલો મેલો બાળા કાન, છેડો અમારો,

અમ ઘેર પરણ્યોજી રીસાળવા રે.

તમારા પરણ્યાજીને બીજી રે લવરાવું,

તમ પે રુડાં ને રંગે ઊજળાં રે.

ચીર ફાડીને ચંદ્રાવળ નાઠી,

કાનુડો રીઓ આંખો ચોળતો રે.

તૂટી ફૂટી ખાટ લૈને ઘોડારમાં સૂતો,

માવડી મનાવાને આવિયા રે.

કાં રે કા’ના, તારા માથડાં દુખ્યા?

શેણે આવ્યો તમને તાવ જી રે?

બાઈ રે પડોશણ બાઈ મારી બેની,

દવા ચીંધાડ્ય બાળા કા’નને રેય

આંક ધતૂરો ને એળિયાની ગોળી,

રે વાટીને કા’નને પાઈ દે'જો રે.

નથી રે માડી મારાં માથડાં દુખ્યાં,

નથી રે આવ્યો મને તાવ જી રે.

ગોકુળિયા તે ગામમાં ચંદ્રાવળ નારી,

મારે ઈ' ચંદ્રાવળને વરવું જી રે.

કડ્ય પરમાણે કા'ન ઘાઘરો પેર્ય,

ઊપર્ય ઓઢણી શોભંતી જી રે.

ડીલ પરમાણે કાન કાપડું પેર્ય,

ઊપર્ય કબજો શોભતો જી રે.

હાથ પરમાણે કાન ચૂડલો પેર્ય,

ઊપર્ય ગુજરી શોભંતી જી રે.

નાક પરમાણે કાન નથડી પેર્ય,

ઊપર્ય ટીલડી શોભંતી જી રે.

પગ પરમાણે કાન કડલાં પેર્ય,

હેઠળ્ય કાંબિયું શોભંતી જી રેય

અસત્રીનો વેહ લઈ ને કાનુડે હાલ્યે,

વાટમાં પાણિયારીને પુછિયું રે.

“બાઈ રે પણિયારી, તું મારી બેની,

ક્યાં રે ચંદ્રવળનાં ખોરડાં રે?”

‘ઊગમણા ઓરડા, ને આથમણી ડેલી,

ઘુઘરિવાળા ઝાંપા ખડખડે રે.’

સાસુ ને વઊ બેઈ સિંધાસણ્ય બેઠી,

“વઉ રે વઉ, તમારી બે'ની આવ્યાં રે.”

નથ્ય મારે કાકાની, નથ્ય મારા દાદાની,

નથ્ય મારે માની જણી બેનડી રે.

તમે બે’ની તમારે સાસરિયે હતાં,

તી' કેડે બેન અમે જલમિયા રે.

મારા કટમ્બમાં બેની કોઈ નથી કાળું,

લવીંગ સરીખાં તમે શામળાં રે.

તમ વેળ્યે માયે ફૂલડાં સેવ્યાં,

ફૂલ સરીખાં તમે ઊજળાં રે.

અમ વેળ્યે માએ લવીંગ સેવ્યાં,

લવીંગ સરીખા અમે શામળા રે.

ત્રાંબાળુ લોટા ને નવ ગજ મોટા,

ઉઠો બે'ની મેારી, દાતણ કરો રે.

દાતણ કરો ને ચીર્યું ઉડાડે,

આરે સરગટ જાણે પુરુષની રે.

ત્રાંબાળુ કૂંડી નવ ગજ ઊંડી,

જાવ રે બેની મોરી નાવણ કરો રે.

નાવણ કરે ને બધે નીર ઉડાડે,

સૂરજ સામી સેવા કરે રે.

સોનાંની થાળી ને શગભરી લાવ્યા,

લ્યો રે બે’ની મેારાં, ભોજન જમો રે.

પેલાં ભોજન તમારી સાસુ ને સાસરો,

આપણા બેઈ બેન્યું હાર્યે ખાશું રે.

પાન સોપારીને પાનનાં બીડાં,

લ્યો રે બે'ની મેારાં, મખવાસ કરો રે.

પેલાં મખવાસ તમારાં જેઠ-જેઠાણી,

આપડે બેઈ બેન્યુ હાર્યે લેશું રે.

સામે ઓરડીએ ઢાળેલ ઢોલિયા,

જાવ રે બેની મેારાં, પોઢણ કરો રે.

પેલી પેઢણુ તમારા સામીને આપો,

આપણ બેય બેન્યું હાર્યે સુશું રે.

બાર બાર મૈંનાની રાત્યું રે કરિયું,

કૂકડો બોલે તો મારી નાખું રે.

લીધી કટારને ભાંગી રે સોપારી

લ્યોને ગોરાંદે મુખવાસ કરો રે.

ગાય-વાછરું કરે રે હીંહોરા,

કાને ચંદ્રાવળને છેતરી રે.

સૂરજ ઊગે તો સોને મઢાવું,

કૂકડો બોલે તો પાળું પાંજર રે.

પોપટ બોલે તો ચાંચુડી કાપું

મારે રે ચંદ્રાવળને વરવું રે.

કાનો ને ચંદ્રાવળ ચાલી નીસરીઆ,

આવીને ઓરડે ઊભાં રિયાં રે.

માતા તે મોરાં માવડી રે મોરાં,

કિયા તે અમારલાં ઓરડાં રે.

ઉગમણે ઓરડાં ઉઘાડા રે'શે,

ન્યાં રે કાના બેઈના બેહણાં રે.

સંધીએ સૈયરું મળવા રે આવી,

આવીને આંગણે ઊભી રિયું રે.

કાનની માતાજી મળવા રે આવ્યાં,

મળીને લીધેલાં કાનનાં મીઠડા રે.

ચંદ્રાવળના મનમાં કરોધ રે ચડિયો,

પગે લાગંતા નો લાગી રે,

ભાઈ રે કાનજી, તું મારો દીકરો.

આપણે ચંદ્રાવળ નો જોઈએ રે.

કો’ તો માતાજી, નોખાં રે રે'શું,

અમથા તમારે ઘેર આવશું રે.

(કંઠસ્થ : શાખાબહેન પરમાર, ભાવનગર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ