sapnaman - Lokgeeto | RekhtaGujarati

સપનામાં

sapnaman

સપનામાં

આજ સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જીરે,

તુલસીને કયારે રે તો અમારા સપનામાં રે.

આજ સપનામાં મેં તો ઠાકોરિયો વીંછી દીઠો જીરે,

સરપલિયાની ફેણ રે તો મારા સપનામાં રે.

આજ સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠાં જીરે,

વેતી'તી નદીયું રે તો મારા સપનામાં રે.

આજ સપનામાં મેં તો ગેડી દડુલિયો દીઠો જીરે,

મોતીડાંની હારું રે તો મારા સપનામાં રે.

આજ સપનામાં મેં તો આંગણિયે આંબો દીઠો જીરે,

ફૂલડિયાની તાડી રે તો મારા સપનામાં રે.

આજ સપનામાં મેં તો આંગણિયે ધૂણી દીઠી જીરે,

જટાળે તે જોગી રે તો મારા સપનામાં રે.

પારસ પીપળો તા અમારો દાદો જીરે,

તુલસી કેરો ક્યારો રે તો મારી માડી જીરે.

ઠાકોરિયો વીંછી તો અમારા સસરોજી રે,

સરપલિયાની ફેણ રે તો મારા સાસુજી રે.

ડોલતા ડુંગર તો મારા જેઠજી રે,

વેતી'તી નદીયું રે તો મારા જેઠાણી રે.

ગેડી દડુલીયો તો મારા દેરજી રે

મોતીડાની હારું રે તો મારા સપનમાં રે.

આંગણિયે આંબો તો અમારા વીરોજી રે,

ફૂલડિયાની વાડી તો મારી ભાભલડી રે.

આંગણિયે ધૂણી તો અમારી નણદલજી રે.

જટાળો જોગીડો તો મારો નણદોઈ જીરે.

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988