kamangaro ka’na - Lokgeeto | RekhtaGujarati

કામણગારો કા’ન

kamangaro ka’na

કામણગારો કા’ન

કામણગારા કા’ન, પાણીડાં નઈં આવું તારી વાડીએ રે લોલ.

જમનાના જળ અમને ભાંભળારે લાગ્યાં, મીઠાં લાગ્યાં જળ વાડીનાં રે લોલ.

પાણીડાં નઈં આવું તારી વાડીએ રે લોલ.

જળ રે ભરવા અમે વાડીએ રે આવીએ, નજરૂં નોંધી તું અમને અકળાવે;

ભરેલ બેડાં તું ઢોળી ઢોળી નાખે, એમ કરી અમને સંતાપે રે લોલ;

પાણીડાં નઈં આવું તારી વાડીએ રે લોલ.

જળ રે ઊડાડી પાલવ પલાળતો, પાલવ પલાળતો ને અમને ભીજવતો;

અમારી પીડ મનમાં લાવતો, કહેવા છતાં માનતો રે લોલ;

પાણીડાં નઈં આવું તારી વાડીએ રે લો.

તોફાન કરી ઘેર મોડું કરાવતો, ઘેર સાસુની ગાળ ખવરાવતો;

અમઘેર આવીને કજિયા કરાવતો, કોઈ નઈં તોફાની, તુજ તોલે રે લોલ;

પાણીડાં નઈં આંવું તારી વાડીએ રે લોલ.

કામણાગારાઓ કા’ન, પાણીડાં નહિ આવું તારી વાડીએ રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968