ek raj duwarkaman ramtan - Lokgeeto | RekhtaGujarati

એક રાજ દુવારકામાં રમતાં

ek raj duwarkaman ramtan

એક રાજ દુવારકામાં રમતાં

એક રાજ દુવારકામાં રમતાં રેખાબા,

દાદાએ હસીને બોલાવિયા,

કાં, કાં રે ધેડી તારી દેહ દૂબળી,

આંખલડી કાં જળે ભરી?

નથી, નથી રે દાદા, મારી દેહ દૂબળી,

આંખલડી રે રતને જડી.

એક ઊંચો તે વર નો જોજો રે દાદા,

ઊંચો તો નત્ય નેવાં ભાંગશે.

એક નીચો તે વર નો જોજો રે દાદા,

નીચો તે નત્ય ઠેબે આવશે.

એક કાળો તે વર નો જોજો રે દાદા,

કાળો તે કટંબ લજાવશે.

એક ધોળો તે વર નો જોજો રે દાદા,

ધોળો તે આપ વખાણશે.

એક કેડે પાતળીયો ને મુખ રે શામળિયો,

તે મારી સૈયરે વખાણિયો.

એક પાણી ભરતી પાણીઆરીએ વખાણ્યો,

ભલો રે વખણ્યો મારી ભાભીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ