Dungar upar derDi - Lokgeeto | RekhtaGujarati

ડુંગર ઉપર દેરડી

Dungar upar derDi

ડુંગર ઉપર દેરડી

ડુંગર ઉપર દેરડી, રાંદલમાંને મનાવા જાય રે!

ખોળે નાળિયેર હાથમાં કંકાવટી દડવાવાળીને મનાવા જઈએ,

આટલી વિનંતી સુણો મારી માતા, એક પુત્ર દો મારી માતા!

પહેલે વર્ષે પહેલો દીધો.

બીજા વર્ષે બીજો દીધો.

ત્રીજે વર્ષે ત્રીજો દીધો.

ચોથે વર્ષે ચોથો દીધો.

ચાર પુત્રો દીધા માયે દડવાવાળી રીઝ્યા. મારી માતા.

એટલામાં એમના નણદી બા બોલ્યા :

કોણ ભાભી કોણ ત્રુઠ્યા?

—અમને અમારા ગોત્રજ ત્રુઠ્યા શું જાણે દડવાવાળી!

અભિમાની ભાભી બોલ્યા,

ભણતો તે ભણતો રીહ્યો,

રમતો તે રમતો રીહ્યો,

જમતો તે જમતો રીહ્યો

સૂતો તે સૂતો રીહ્યો, ચારેને માતાએ લીધા.

હાથમાં કંકાવટીને ખોળે નાળિયેર

દડવાવાળીને મનાવા જઈએ.

માતા મારી ભૂલ થઈ, ચાર પુત્રો પાછા દો માડી.

તમને તમારા ગોત્રજ ત્રુઠશે, હું શું જાણું દડવાવાળી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963