dorDan ubhan khenchtan 3 - Lokgeeto | RekhtaGujarati

દોરડાં ઊભાં ખેંચતાં - ૩

dorDan ubhan khenchtan 3

દોરડાં ઊભાં ખેંચતાં - ૩

જુદાં જુદાં બંદરો ને બંદરો પરનાં માતાનાં થાનક, દૂર દરિયામાંથી સુરત બંદરના દેખાતા મિનારા, તાપીનાં ભર્યાં ભર્યાં પાણી, દોરડાં ખેંચવા વખતની બીજી એક અબાવણીમાં ગવાયાં છે:

તારો બળિયા સાજ લીના ઝાલાના ઝાલે

પરભુ તેરા નામ લીના ઝાલાના ઝાલે

પરભુ પરથમ પોતે રાજા ઝાલાના ઝાલે

આપ્યા ઓદારીમાં આંજા ઝાલાના ઝાલે

ઓદારી સારો સલામત ઝાલાના ઝાલે

બેલી તું રહેજે સલામે ઝાલાના ઝાલે

અગાસી ગોવાનું બંદર ઝાલાના ઝાલે

બંદરે બાંધ્યાં ઘોઘોનાં ઝાલાના ઝાલે

વચમાં પીરમ-જંજીરા ઝાલાના ઝાલે

જંજીરા જાના કબીરા ઝાલાના ઝાલે

કબીરે માતા સિંગોતેર ઝાલાના ઝાલે

સિંગોતેરે સરોવરિયા ઝાલાના ઝાલે

આમલી ખાટી સમુદરિયા ઝાલાના ઝાલે

સહેલાઈમાં સુરત બંદર ઝાલાના ઝાલે

તાપીમાં ભર્યાં ને પાણી ઝાલાના ઝાલે

પાણી ભરે પનિહારી ઝાલાના ઝાલે

નાકમાં સોનાની વાલી ઝાલાના ઝાલે

સોનું પે’રી છલકાતી ઝાલાના ઝાલે

રૂપું પે’રી મલકાતી ઝાલાના ઝાલે

એનાં તો રૂપિયામાં હંમર ઝાલાના ઝાલે

સોના અવલ કાન ફૂટા ઝાલાના ઝાલે

કાન ફૂટા નાક તૂટા ઝાલાના ઝાલે

રસપ્રદ તથ્યો

આંજા એટલે હાંજા, શઢ ચઢાવવા-ઉતારવા માટે ખેંચવાનાં દોરડાં. ‘હાંજા ગગડી ગયા’ એ પ્રચોગ આપણે કરીએ છીએ તે દરિયાનો છે. શઢ ઉતારવા માટે દોરડું ઢીલું મૂકે, હાંજાને ગગડવા દે, એટલે વાવડો અનુકૂળ હોય ને શઢ વહાણની ઝડપ વધારી આપે એ સ્થિતિ તો ન જ રહી. આથી નિરાશા સૂચવવા માટે ‘હાંજા જવા’ એ પ્રયોગ થાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957