winjhno - Lokgeeto | RekhtaGujarati

વીંઝણો

winjhno

વીંઝણો

ઊંચી મેડી વીજળીઆં કમાડ, વીજળીઆં કમાડ,

ત્યાં રે ઢળાવો ભમ્મર ઢોલીઆ.

ઢોલીએ પોઢે ધીરૂભાઈ, ત્યાં રે પોઢે ધીરૂભાઈ પાતળા,

ઊભલાં ભારતી વહુ વાહર ઢોળે.

વાહર ઢોળંતા વઉને નીંદરાયું આવી, નીંદરાયું આવી,

વીંઝણો હાથેથી પડી ગયો.

લપતા ને છપતા દિલીપ જમાઈ આવિયા, દિલીપ જમાઈ આવિયા,

વહુને વીંઝણો જમાઈ લઈ ગયા.

આઘેરાક જોતાં કનુભાઈ જમાઈ મળિયા, કનુભાઈ જમાઈ મળિયા,

બે જણે થઈને વીંઝણો બેવડ્યો.

આઘેરાક જાતાં ચીનુભાઈ જમાઈ મળિયા, ચીનુભાઈ જમાઈ મળિયા,

ત્રણે જણે થઈને વીંઝણો ત્રેવડ્યો.

રોઝી ઘોડી ને પાતળિયો અસવાર, પાતળિયો અસવાર,

વીંઝણાની વા’રે ધીરૂભાઈ ચડ્યા.

આઘેરાક જાતા વીરુભાઈ મળિયા, વીરુભાઈ મળીઆ,

ગરથ ભંડારી વીરા, ક્યાં ચાલીઆ?

આપણી નગરીમાં ચોર આવીઆ, ચોર આવીઆ,

વહુનો વીંઝણો જમાઈ લઈ ગયા.

ઓરડે ઊભલાં વિજયાબેન બોલ્યાં, વિજયાબેન બોલ્યાં,

આલ્યો મારી કાંબી, તમારી નજરું લાંબી, તમારી નજરૂં છે લાંબી,

હવે નઈં ચોરે જમાઈ વીંઝણો.

ઓરડે ઉભલાં ઉમીઆબેન બોલ્યાં, ઉમીઆબેન બોલ્યાં,

આલું મારી વાડી, ચારેને બાંધો તાણી, જમાઈને બાંધો તાણી,

હવે નઈં ચોરે જમાઈ વીંઝણો.

ઓરડે ઉભલાં કમુબેન બોલ્યાં, કમુબેન બોલ્યાં,

આલુ મારી ટોટી, હને નો થાવ ખોટી, હવે નો થાવ ખોટી,

હવે નઈ ચોરે જમાઈ વીંઝણો.

ઓરડે ઉભલાં ઢબુબેન બોલ્યાં, ઢબુબેન બોલ્યાં,

આલુ મારી નથડી, ચારેને બાંધો પકડી, ચારેને બાંધો પકડી,

હવે નઈં ચોરે જમાઈ વીંઝણો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 295)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968