chakari - Lokgeeto | RekhtaGujarati

ચાકરી

chakari

ચાકરી

ધન ધન બીલી તારાં પાન,

કે ચઢે મહાદેવને રે લોલ :

“ઓરડે તે બેઠા સસરાજી!

કે હું તમને વીનવું રે લોલ :

તમારા અલબેલા કુંવર,

કે ચાલ્યા ચાકરી રે લોલ.

મરજો મહિનાનો લખનારો,

કે બળજો ચાકરી રે લોલ!”

“ઓરડે તે બેઠાં સાસુજી!

કે હું તમને વીનવું રે લોલ.

તમારા અલબેલા કુંવર,

કે ચાલ્યા ચાકરી રે લોલ”

“ચાકરી જાય તો જાવા દેજો,

કે કાલે ઘેર આવશે રે લોલ.”

“ઘોડીલે તે બેઠા દિયરજી!

કે ભાઈ ચાલ્યા ચાકરી રે લોલ.”

“ચાકરી જાય તો જાવા દેજો,

કે કાલે ઘેર આવશે રે લોલ.”

“માંચીએ બેઠાં નણદીજી,

કે તમને વીનવું રે લોક.

તમારા અલબેલા વીરાજી,

કે ચાલ્યા ચાકરી રે લોલ.

મરજો મહિનાનો લખનારો,

કે બળજો ચાકરી રે લોલ.”

“ચાકરી જાય તો જાવા દેજો,

કે કાલે ઘેર આવશે રે લોલ.”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957