charan dharone ka’na - Lokgeeto | RekhtaGujarati

ચરણ ધરોને કા’ન

charan dharone ka’na

ચરણ ધરોને કા’ન

થઈ થઈ ચરણ ધરો ને કા’ન, આપું મુગતા ફળનું પાન,

સોના સાકરડી, રૂપા ભમરડી, કાંચડાની જોડ તને આલું રે,

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

પૌ, પવા, મગ દારિયા, ને ચણાનો છોડ તને આલું રે.

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

શેરડી કેરો સાંઠો મગાવું, નાગ છડિયાંને ઊતરાવું રે,

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

ઝીણાં કરી માદરિયાં કરાવું, તારાં ગુંજડિયાં ભરાવું રે,

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન,

આભમાંથી માતા, હો ઉતારો, અમને ચાંદલિયા દેખાડો રે,

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

અમે અપરાધી જીવડા, એને નીચે કેમ ઉતારૂં રે?

થઈ થઇ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

ફળિયા વચ્ચે થાળી મેલાવું, નિરમળ નીર ભરાવું રે;

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

નીરમાં ઉતારૂં નવલખ તારા, તમને ચાંદલિયો દેખાડું રે.

થઈ થઈ ચરણ ધરોને કા’ન, આપું મુગતા ફળનું પાન.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968