bapnan wer - Lokgeeto | RekhtaGujarati

બાપનાં વેર

bapnan wer

બાપનાં વેર

દેવકી ને જશોદા બે બેનડી રે લોલ,

બે બેની તે જમના પાણી હાંચર્યાં રે લોલ.

દેવકી પૂસ જશોદા ચમ દુબળાં રે લોલ,

મેં તો સાત જણ્યાં તોય વાંઝિયાં રે લોલ.

બેની, તુજને તે કાન કુંવર જલમશે રે લોલ,

કા’ન જલમે તો મુજને તેડાવજે રે લોલ.

ચાંદો ઊજ્યો ને કાન જલમિયા રે લોલ,

માસી જશોદાને તે તેડાં મોકલ્યાં રે લોલ.

કા’નની માસી આકાશથી ઊતર્યાં રે લોલ,

માસી અમીનાં કચોળાં લાવિયાં રે લોલ.

બાર દા’ડાનું બાળક બોલિયું રે લોલ,

માડી મુજને રમતું રમાડજો રે લોલ,

સોના જેડી ને રૂપલા દડુલિયો રે લોલ,

કા’ન કુંવર તે રમવાને નીસર્યાં રે લોલ.

સાઠ વરસની ડોશી પાણી ભરતી રે લોલ,

વાજ્યો દડો ડોશી કેરા પગમાં રે લોલ.

તારા બાપનાં હતા તે વેર વાળને રે લોલ,

માડી, અમને તે વાત કે’ને પૂરતી રે લોલ.

જાવું મામાને ઘેર મારે મળવા રે લોલ,

સાંકડી શેરીમાં મામા સામા મળિયા રે લોલ.

ભાણેજ દેખીને મામો સંતાઈ ગયા રે લો.

આવો મામા, શા કારણે સંતાઈ ગયા રે લોલ.

આપણ મામો-ભાણેજ બહુ દિને મળિયા રે લોલ,

હઈયું ભીડીને મામો ભાણેજ બેય ભેટિયા રે લોલ.

હતાં જે બાપનાં વેર, બધાં વળી ગયાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968