ame sarowre pani gyan’ta - Lokgeeto | RekhtaGujarati

અમે સરોવરે પાણી ગ્યાં’તા

ame sarowre pani gyan’ta

અમે સરોવરે પાણી ગ્યાં’તા

અમે સરોવરે પાણી ગ્યાં’તા રે, મરઘે સરીખે!

પાળે વણઝારાનો બેટો રે, મરઘે સરીખે!

પીટ્યે એણે કાંકરી નાખી રે, મરઘે સરીખે!

મારી સોનાં સરખી ગાગર રે, મરઘે સરીખે!

હું તો ખાલી બેડે ઘરે આવી રે, મરઘે સરીખે!

બઈજી બેડલિયાં ઉતરાવો રે, મરઘે સરીખે!

વહુ, ભર્યા ચ્યાંથી ઠાલાં રે, મરઘે સરીખે!

પાળે વણઝારાનો બેટો રે, મરઘે સરીખે!

પીટ્યે રે કાંકરી નાખી રે, મરઘે સરીખે!

મારી સોના ગાગર નાંદી રે, મરઘે સરીખે!

વહુ વણઝારાને જાજો રે, મરઘે સરીખે!

બઈજી જાશું તો શું થાશે રે, મરઘે સરીખે!

અમે ઘઉં ગોરડીઆં ખાશું રે, મરઘે સરીખે!

અમે ગોળ માટલીયાં ખાશું રે, મરઘે સરીખે!

અમે ઝી ઝોટ્યુંનાં ખાશું રે, મરઘે સરીખે!

અમે ધોળી પછેડી ઓઢશું રે, મરઘે સરીખે!

અમે રંગલ ધોકો લેશું રે, મરઘે સરીખે!

અમે આગલા પોઠીએ બેસશું રે, મરઘે સરીખે!

અમે હો હો કરતાં જાશું રે, મરઘે સરીખે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 234)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957